Get The App

કચ્છમાં સાયબર માફિયાઓની હિંમત તો જુઓ! PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા, .apk ફાઈલથી ખેલ ખેલ્યો

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
Cyber Fraud


Cyber Fraud in Kutch: ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયબર માફિયાઓએ કચ્છના મુંદ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSIનો મોબાઈલ હેક કર્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ઠગ દ્વારા PSIના વોટ્સએપમાંથી  DySP સહિતના પોલીસ અધિકારીને મેસેજ કરીને પૈસાની માંગણી કરવાની ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. 

PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા

મળતી માહિતી મુજબ, મુંદ્રાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSI વી.એન. ચાવડાએ વોટ્સએપમાં આવેલી એક Apk ફાઈલ ડાઉનલોડ કરતાં તેમનો ફોન હેક થયો હતો.  આમ, ફોન હેક થતાં સાયબર માફિયાઓએ PSIના વોટ્સએપ પરથી સાથી પોલીસકર્મી અને અન્ય પોલીસ અધિકારીને ‘એક્સિડેન્ટ થયું છે, પૈસાની તાત્કાલિક જરૂર પડી છે’ તેવા મેસેજ મોકલીને પૈસાની માંગણી કરી હતી. 

સાયબર ઠગ દ્વારા PSIના વોટ્સએપ પરથી ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉપરી અધિકારીને પણ આ પ્રકારે મેસેજ કરીને પૈસાની માંગણી કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પૈસાની માંગણી કરવાની સાથે આરોપી દ્વારા PSIના કોન્ટેક્ટ લિસ્ટના મોટાભાગના વ્યક્તિ-પોલીસકર્મીને વોટ્સએપમાં Apk ફાઈલ મોકલતા, જેથી તેઓ પણ આ જાળમાં ફસાય અને તેમનો ફોન હેક કરીને પૈસા પડાવવામાં આવે. 

આ પણ વાંચો: બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો

સમગ્ર ઘટનાને લઈને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના નામે આજ પ્રકારે પૈસાની માંગણી કરતી હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે થોડા દિવસ પહેલા ભુજમાં નિવૃત્ત મહિલા PSIને બે માસ ડિજિટલ અરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી.