ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ
Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં એક અનોખી ઘટના બની છે, જ્યાં માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં એક વિશાળ મગર ફસાતા ગ્રામજનો અને માછીમારોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાને પગલે ગામમાં કુતૂહલની સાથે ભયનો માહોલ ફેલાયો હતો.
ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો
ગાણોલ ગામના કેટલાક માછીમારોએ નિયમિત રીતે માછલી પકડવા માટે ગામના પાણીના વોકળામાં પોતાની જાળ બિછાવી હતી. થોડા સમય પછી, અચાનક જાળ અસામાન્ય રીતે ભારે લાગવા માંડી અને પાણીમાં ઊંડે ખેંચાવા લાગી. માછીમારોને લાગ્યું કે કોઈ મોટી માછલી ફસાઈ હશે. તેમણે પૂરી તાકાત લગાવીને જાળને કિનારા તરફ ખેંચી, પરંતુ માછલીઓને બદલે તેમાં એક મોટો મગર ફસાયેલો જોઈને તેઓ ચોંકી ગયા અને ભયભીત થઈ ગયા.
આ પણ વાંચો: ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
માછીમારોએ તરત જ સ્થાનિક પોલીસ અને વન વિભાગને આ ઘટનાની જાણ કરી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત અને કાળજીપૂર્વક કામગીરી કરી મગરને સુરક્ષિત રીતે જાળમાંથી બહાર કાઢ્યો અને તેને સલામત જગ્યાએ ખસેડ્યો હતો. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી, અને મગરને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.