GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો
Tapi News : તાપી જિલ્લાના વ્યારા એસ.સી.એસ.ટી. સેલમાં ફરજ બજાવતા D.Y.S.P. નીકીતા શીરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત સામે લાંચ માંગણીના ગંભીર આરોપો સામે ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં GPSCની પરીક્ષામાં 29 મો રેન્ક લાવનાર D.Y.S.P. નીકીતા શીરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
D.Y.S.Pએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી
એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ દાખલ થયેલા ગુનામાં તેમના પરિવારજનો અને મિત્રો સામે કાર્યવાહી ન થાય અને હેરાનગતી ન થાય તે માટે આરોપીઓએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ રકમ રૂ. 1.50 લાખ આવી હતી.
ફરીયાદીએ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો અને 20 ઓગસ્ટ 2025ના રોજ કાકરાપાળ પોલીસ સ્ટેશન નજીક એલ.એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા પર છટકુ ગોઠવાયું હતું. જ્યાં આરોપી ખાનગી ગાડીમાં લાંચ લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ શંકા જતાં નાણા લીધા વગર જ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર
આ છટકાની કામગીરી PI એસ.એન. બારોટ અને PI ડી.બી. મહેતા દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, D.Y.S.P. નીકીતા શીરોયા GPSC Rank 29 ધરાવે છે અને હવે ACBના છટકામાં આવી ગયા છે. જ્યારે સમગ્ર મામલે ACB દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.