ઈકો કારમાંથી 192 સાઈલેન્સરની ચોરી કરનાર 3ને અમદાવાદ ક્રાઈમબ્રાંચે ઝડપ્યા


- અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 143 સ્થળે તરખાટ મચાવ્યા

અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૧૪૩ સ્થળોએ તરખાટ મચાવી દસ જ મહિનામાં ઈક્કો કારના ૧૯૨ સાઈલેન્સરની ચોરી કરનાર આઠ સભ્યોની ગેંગમાંથી ત્રણ આરોપીને ક્રાઈમબ્રાંચે બાતમી આધારે બુધવારે મોડી રાત્રે ઝડપી લીધા હતા. પોલીસે બાતમી આધારે સનાથલ બ્રિજ પાસેથી આસીફ ઉર્ફ રૂપાલ ઐયુબ વોરા, ઉવેશમીયા ઉર્ફ ટકો અનવરમીયાં મલેક અને સરફરાઝ ઉર્ફ સફો બસીરભાઈ મલેકની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ઈકો કારમાંથી સાઈલેન્સર કાઢવાના સાધનો, ૧૫ જૂના સાઈલેન્સર, લોખંડના નાની-મોટી સાઈઝના સળીયા, બે નંગ કોસ, ટ્રેચર પાના ચાર, પક્કડ, કટર અને બલેનો કાર મળીને કુલ રૂ. ૧૫,૫૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ ઈકો કારના સાઈલેન્સરની ચોરી કરી તેમાં વપરાતી કિંમતી ધાતુ મિશ્રિત માટીના બનેલા બોથડ પર્દાથને યુપીના નવાબ અને ફૈઝાનને વેચતા હતા. એક સાઈલેન્સર દીઠ આરોપીઓને ૧૨થી ૧૫ હજાર રૂપિયા મળતા હતા. 

યુપીના નવાબ અને ફૈઝાનની સંડોવણી: સાઈલેન્સરમાંથી કિંમતી ધાતૂ મિશ્રિત માટી વેચી ૧૨થી ૧૫ હજાર કમાતા

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર, આણંદ, પેટલાદ, બોરસદ અને કરમસદ આરોપીઓના ટાર્ગેટમાં હતા. આ સ્થળેથી આરોપીઓ ઈક્કો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરતા તેમજ અગાઉ ચોરી કરેલું કિંમતી ધાતૂ કાઢી લીધેલું સાઈલેન્સર લગાવી દેતા હતા. આ રીતે આરોપીઓએ દસ માસમાં ૧૯૨ જેટલા સાઈલેન્સરની ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલા ૬૫ સાઈલેન્સરની ચોરીના કેસનો ભેદ ક્રાઈમબ્રાંચે ઉકેલ્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓમાં આસીફ ઉર્ફ રૂપાલનો અગાઉ ઢોર ચોરીના ગુનામાં તેમજ જૂદા જૂદા જીલ્લામાં મારામારીના ગુનામાં તેમજ ઈક્કો કારના સાઈલેન્સરની ચોરીના ૧૯ ગુનામાં પકડાયો છે. બીજો આરોપી સરફરાઝ અગાઉ સેટેલાઈટ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી અને વાસદમાં બકરા ચોરીના ગુનામાં પકડાયો છે. ક્રાઈમબ્રાંચે આ ગુનામાં સંડોવાયેલા ઉત્તરપ્રદેશના નવાબ અને ફૈઝાનની તપાસ કરી છે. આરોપીઓ પાસેથી સાઈલેન્સરમાંથી નીકળતી કિંમતી ધાતુ ખરીદી આ બંને આરોપી દિલ્હીમાં વેચતા હોવાની વિગતો ખુલી છે. ક્રાઈમબ્રાંચના પીઆઈ એસ.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, ઈક્કો કારના સાઈલેન્સરમાં વપરાતી કિંમતી ધાતૂનો બોથડ પદાર્થ વેચી આરોપી નવાબ અને ફૈઝાન પાસે ૧૨ થી ૧૫ હજાર રૂપિયા લેતા હતા. આમ, એક સાઈલેન્સરની ચોરી કરવા પેટે આરોપીઓને ૧૨ હજાર રૂપિયાની રકમ મળતી હતી. સાઈલેન્સરમાંથી નીકળતા માટી જેવા બોથડ પર્દાથનો ભાવ એક કિલોનો ૧૨ થી ૧૫ હજાર રૂપિયા ગણાય છે. 

સાઈલેન્સરમાંથી કઈ કિંમતી ધાતુઓ હોય છે

ઈક્કો કારના સાઈલેન્સરમાં વપરાતા માટી જેવા કઠણ પર્દાથમાં પ્લેટીનિયમ, પેલેડીયમ અને રોડીયમ ધાતુનો ઉપયોગ થાય છે. સાઈલેન્સરની ચોરી કર્યા બાદ આરોપીઓ આ ધાતૂ મિશ્રિત કઠણ પર્દાથ સાઈલેન્સરમાંથી કાઢી લેતા હતા. જેનું વજન ૮૦૦ થી ૧૦૦૦ ગ્રામ થતું હોય આરોપીઓને ૧૨ થી ૧૫ હજારની રકમ મળતી હતી. આ પર્દાથમાંથી યુપીનો નવાબ અને ફૈઝાન પ્લેટીનિયમ, પેલેડીયમ અને રોડીયમ ધાતુ અલગ કાઢી તે દિલ્હીમાં વેચતા હતા.

City News

Sports

RECENT NEWS