Get The App

અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ: 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી, રોજના દોઢ લાખ મુસાફરો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ: 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી, રોજના દોઢ લાખ મુસાફરો 1 - image


Images Sourse: 'X'

Ahmedabad Metro Data: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર પરિવહનનું સાધન નહીં, પણ લાખો લોકોની જીવાદોરી બની ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં મેટ્રોની લોકપ્રિયતામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 સુધીના આંકડાઓ મુજબ, 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો છે.

દૈનિક મુસાફરો 35 હજારથી વધીને 1.50 લાખે પહોંચ્યા

મેટ્રો રેલના ડેટા મુજબ, શરૂઆતના તબક્કે દૈનિક મુસાફરોની સંખ્યા જે 35 હજાર હતી, તે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં વધીને 1.50 લાખ સુધી પહોંચી ગઈ છે.

•વર્ષ 2023: માસિક સરેરાશ 12 થી 27 લાખ મુસાફરો.

•વર્ષ 2024: માસિક સરેરાશ 27 થી 35 લાખ મુસાફરો.

•વર્ષ 2025: માસિક સરેરાશમાં મોટો ઉછાળો, જુલાઈ અને સપ્ટેમ્બરમાં 44 લાખથી વધુ મુસાફરો નોંધાયા.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર

કોલ્ડપ્લે કોન્સર્ટ અને IPLમાં સર્જાયો રેકોર્ડ

•અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા મોટા કાર્યક્રમોમાં મેટ્રો 'ગેમ ચેન્જર' સાબિત થઈ છે

•કોલ્ડપ્લે કોન્સર્ટ (જાન્યુઆરી 2025): માત્ર 2 દિવસમાં રેકોર્ડબ્રેક 4.11 લાખ મુસાફરોએ મુસાફરી કરી.

•IPL અને ક્રિકેટ મેચ: મેચના દિવસોમાં મુસાફરોની સંખ્યા 1.6 લાખથી 2.1 લાખ સુધી પહોંચી જાય છે.

ફેઝ-2 ના પ્રારંભ સાથે હવે 'મહાત્મા મંદિર' સુધી કનેક્ટિવિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી જાન્યુઆરીએ ફેઝ-2 અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો છે.

•કુલ નેટવર્ક: 68 કિલોમીટર

•કુલ સ્ટેશન: 53

•અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સીધું અને સસ્તું પરિવહન.

કોને થશે સૌથી વધુ ફાયદો?

સરકારી અને ખાનગી ઓફિસોમાં અપ-ડાઉન કરતા હજારો કર્મચારીઓ માટે સમય અને નાણાંની બચત. કડી સર્વ વિશ્વવિદ્યાલય અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જતા વિદ્યાર્થીઓને રાહત. અક્ષરધામ મંદિર, દાંડી કુટીર અને ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચવું હવે વધુ સરળ બન્યું છે. મહાત્મા મંદિરમાં યોજાતી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આવતા મહેમાનો માટે શ્રેષ્ઠ વિકલ્પ. મેટ્રોના વિસ્તરણથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે અને ટ્રાફિક તેમજ પ્રદૂષણની સમસ્યામાં મોટો ઘટાડો થશે. ગુજરાતની આધુનિક ઓળખ સમાન આ પ્રોજેક્ટ હવે લાખો લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની ચૂક્યો છે.