Get The App

અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા 1 - image


Ahmedabad Traffic Alert: અમદાવાદ શહેરના સુભાષબ્રિજમાં તિરાડો પડવાના વિવાદ બાદ હવે વધુ એક મહત્વના બ્રિજની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. વાડજ વિસ્તારને જોડતો 14 વર્ષ જૂનો મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બ્રિજના મધ્ય ભાગમાં રોડનું પડ ઉખડી જવાથી અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જે વાહનચાલકો માટે જીવનું જોખમ સાબિત થઈ શકે છે.

AMC ના ઇન્સ્પેક્શન અને કન્સલ્ટન્ટ સામે ઉઠ્યા સવાલો

નવાઈની વાત એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા માંડ પાંચ મહિના પહેલા જ શહેરના તમામ બ્રિજનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં, દધીચિ બ્રિજની આવી ખખડધજ હાલત કેમ ન દેખાઈ? આ ઘટનાને પગલે નિરીક્ષણ કરનારી કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી અને ચોકસાઈ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા 2 - image

ભારે વાહનો પસાર થતા બ્રિજમાં ‘વાઇબ્રેશન’

સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા અનુસાર, બ્રિજ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે અસાધારણ ધ્રુજારી (Vibration) અનુભવાય છે. સળિયા દેખાવાની સાથે ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

એક લાખથી વધુ વાહનોનું ભારણ, છતાં તંત્ર નિંદ્રામાં

સુભાષબ્રિજ સમારકામ માટે બંધ હોવાને કારણે હાલમાં મોટાભાગનો ટ્રાફિક દધીચિ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રોજના અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. ટ્રાફિકનું ભારણ વધ્યું હોવા છતાં, બ્રિજ પ્રોજેક્ટ વિભાગે આ ડાયવર્ઝન રૂટની યોગ્ય ચકાસણી કે મરામત કરવાની તસ્દી લીધી નથી.

જો સમયસર આ બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે કે તાત્કાલિક પગલાં ભરે છે.