Get The App

વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી

Updated: Apr 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી 1 - image


Vadodara : વડોદરામાં ઐતિહાસિક માંડવી ગેટની હાલત નાજુક છે, અને તાત્કાલિક રિસ્ટોરેશન કાર્ય કરવામાં નહીં આવે તો ગમે ત્યારે નીચે પડી જાય તેવો ભય આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારી વ્યક્ત કરી ચૂક્યા છે. બીજી બાજુ માંડવી ગેટમાં ટેકા તરીકે લોખંડના જે થાંભલા મુકવામાં આવી રહ્યા છે તે સંરક્ષણને બદલે વધુ નુકસાન પહોંચાડી શકે તેમ છે.

નિષ્ણાતોના કહેવા મુજબ માંડવી ગેટની આર્ક વચ્ચે જે ગર્ડર મૂકવામાં આવે છે, તેના લીધે આર્ક ઉપર દબાણ વધતાં તિરાડો પડી રહી છે. ગર્ડરને લીધે આર્ક પર રિવર્સ પોઇન્ટ લોડ વધે છે, અને તેના કારણે તિરાડ પડે છે. ગર્ડરના ટેકા ખોટી રીતે મૂકવામાં આવી રહ્યા છે. આના કારણે આર્ક પર લોડ વધવાથી તિરાડ વધુ પહોળી થશે. પીલરની સાથે સાથે બે આર્ક પર પણ તિરાડો પડી હોવાનું જણાઈ રહ્યું છે. પિલર પર ઉભી તિરાડો પડતા તેના લીધે બે ત્રણ વખત પોપડા પણ પડેલા છે, જે લોકોના ધ્યાને આવતા માંડવી ગેટની નાજુક હાલત બહાર આવી હતી. જોકે કોર્પોરેશન કહે છે કે હેરિટેજ સ્ટ્રક્ચરની કામગીરીની જાણકાર એજન્સી દ્વારા ટેકા મૂકવાનું ફ્રેમ વર્ક ઊભું કરાયું છે. આ સ્થિતિ વચ્ચે રિસ્ટોરેશનની કામગીરી જલ્દી કરવી પડશે. રિસ્ટોરેશનનું કાર્ય કરવા માટે કંઝર્વેશન આર્કિટેકની જરૂર પડશે. અહીં નજીકમાં જેમ વાહનોનું હલનચલન વધુ રહેશે તેમ ધ્રુજારી પણ વધુ થશે. જેના કારણે સ્ટ્રક્ચરને હજી વધુ નુકસાન થઈ શકે તેવો ભય છે.

Tags :