દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર

Ahmedabad News: દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં પ્રોહિબિશનના કાયદાનું કડક પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બે અલગ-અલગ પોલીસ ઝોન દ્વારા પકડાયેલા કુલ 2 કરોડ 6 લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દ્વારા બૂટલેગરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.
ક્યાંથી કેટલો દારૂ પકડાયો?
મળતી માહિતી અનુસાર, અમદાવાદ પૂર્વના ઝોન 5ના રામોલ, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, અને અમરાઈવાડી સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ દરોડામાં કુલ 1.69 કરોડ રૂપિયાની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે ઝોન 7ના સરખેજ, વાસણા, સેટેલાઇટ, બોડકદેવ, વેજલપુર, એલિસબ્રિજ અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો હતો. આમ, બંને ઝોનના પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા કુલ રૂ. 2 કરોડ 6 લાખનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
બુલડોઝર ફેરવીને દારૂનો નાશ
પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના આ વિશાળ જથ્થાનો બે અલગ-અલગ જગ્યાએ વૈધાનિક રીતે નાશ કરવામાં આવ્યો હતો. જમીન પર દારૂની બોટલો પાથરી તેના પર બુલડોઝર ફેરવીને સંપૂર્ણ નાશની કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી સહિતના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.