Gujarat

ગુજરાતભરમાં કોર્ટોનું કામકાજ ઠપ્પ!: 'ભાડા બિલ 2026'ના વિરોધમાં વકીલ મંડળોની અચોક્કસ મુદતની હડતાળ

By GS Team
5 Oct 20263 mins read
TukuTouch Logo
'ગુજરાત ભાડા બિલ 2026'ના વિરોધમાં રાજ્યના 182 વકીલ મંડળોના આહવાનથી વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હાઈકોર્ટ સહિત તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થતા હજારો કેસોની સુનાવણી અટકી પડી છે. અમદાવાદમાં બાઈક રેલી નીકળી, જ્યાં સુધી બિલમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વકીલોની ચીમકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતભરમાં કોર્ટોનું કામકાજ ઠપ્પ!: 'ભાડા બિલ 2026'ના વિરોધમાં વકીલ મંડળોની અચોક્કસ મુદતની હડતાળ

Gujarat Lawyers Strike:ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા 'ગુજરાત ભાડા બિલ 2026'ના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. રાજ્યના 182 જેટલા વકીલ મંડળોની આગેવાની હેઠળ વકીલો દ્વારા વિવિધ કોર્ટ પરિસરમાં દેખાવો કરવામાં આવ્યો હતો. જોકે, સરકાર તરફથી કોઈ ઉકેલ ન આવતાં 'ગુજરાત બાર એસોસિયેશન' દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

image.png

હાઈકોર્ટમાં વકીલો કામથી અળગા રહ્યા, ઓન ડાયસ કામગીરી પૂર્ણ

'ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન' દ્વારા પણ તમામ વકીલોને કોર્ટની કામગીરીથી અળગા રહેવા અને ઉપસ્થિત ન રહેવા અપીલ કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટમાં વકીલોના પ્રવેશ માટેનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની એક પણ કોર્ટમાં ખાનગી વકીલો હાજર રહ્યા નહોતા. વકીલોની ગેરહાજરીના કારણે તમામ કોર્ટની ઓન ડાયસ કામગીરી ઝડપથી આટોપી લેવામાં આવી હતી અને આજની તમામ કેસોની મુદતો આગળ લંબાવવામાં આવી હતી. વકીલો અળગા રહેતા ચાલી રહેલા હજારો કેસોની સુનાવણી પર સીધી અસર પડી છે.

અમદાવાદમાં સિવિલ કોર્ટથી ઈન્કમટેક્સ સુધી ભવ્ય બાઈક રેલી

હડતાળના ભાગરૂપે અમદાવાદમાં પણ વકીલોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરથી વકીલો દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ, ઘી કાંટા થઈને ઈન્કમટેક્સ ચાર રસ્તા સુધી પહોંચી હતી, જ્યાં વકીલોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

image.png

વકીલ મંડળોનું કહેવું છે કે જ્યાં સુધી ભાડા વિધેયકમાં વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાને રાખીને યોગ્ય સુધારા કરવામાં નહીં આવે કે વિધેયક પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત યથાવત રહેશે.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં કામકાજ ઠપ્પ

આ હડતાળના કોલને સંપૂર્ણ સમર્થન આપતા શહેરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાના વકીલો તમામ પ્રકારની અદાલતી કાર્યવાહીથી અળગા રહ્યા હતા. વકીલોની આડકતરી હડતાળના કારણે દૂર-દૂરથી કોર્ટમાં મુદત ભરવા તથા ન્યાયની આશાએ આવેલા અસીલો અને પક્ષકારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

image.png

જ્યુડિશિયલ સત્તા આંચકી રેવન્યુને સોંપવાનો વિરોધ

શહેરા વકીલ મંડળના પ્રમુખ અશરફ પટેલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'નવા ભાડા બિલ હેઠળ જ્યુડિશિયલ ઓથોરિટી પાસેથી ન્યાયિક સત્તા આંચકીને રેવન્યુ ઓથોરિટીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ અણઘડ નિર્ણયથી માત્ર વકીલો જ નહીં, પરંતુ પક્ષકારો અને સામાન્ય જાહેર જનતાને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. રેવન્યુ તંત્ર પાસે કાયદાકીય જટિલતાઓને ઉકેલવાનો યોગ્ય ન્યાયિક અભિગમ ન હોવાથી વિવાદો વધુ ઉગ્ર બનશે.'

છોટા ઉદેપુર પરિપત્ર હોળી કરી કામગીરીથી અળગા રહ્યા

છોટા ઉદેપુર જિલ્લાના વકીલોએ પરિપત્રની હોળી કરી આકરો વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર અને પ્રાંત અધિકારીને ન્યાયિક સત્તા આપવાથી પક્ષકારો તથા વકીલોને ભારે મુશ્કેલી વેઠવી પડશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. વકીલોની હડતાળના કારણે કોર્ટ કામગીરી સંપૂર્ણપણે ખોરંભે ચડી છે. વકીલ મંડળે સરકાર પાસે આ વિધેયક પર પુનર્વિચાર અને યોગ્ય સ્પષ્ટતાની માંગ કરી છે.