મનીષ કુકરી-સાગરીતોને માર મારવા મુદ્દે ડીસીપી અને પી.આઇને કોર્ટનો સમન્સ
ડીસીપી નકુમ,વરાછા પીઆઈ ગોજીયા તથા સરથાણા પીઆઈ પટેલને કોર્ટનું તેડું ઃ ફોજદારી ઈન્કવાયરીને ફોજદારી કેસ તરીકે નોંધવા કોર્ટનો હુકમ

સુરત
ડીસીપી નકુમ,વરાછા પીઆઈ ગોજીયા તથા સરથાણા પીઆઈ પટેલને કોર્ટનું તેડું ઃ ફોજદારી ઈન્કવાયરીને ફોજદારી કેસ તરીકે નોંધવા કોર્ટનો હુકમ
મનીષ કુકરી સહિત તેના બે સાગરિતોએ પોલીસ કસ્ટડીમાં માર મારવા અંગે આક્ષેપ કરતી કોર્ટ ફરિયાદના અનુસંધાને થર્ડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) ડૉ.સુપ્રીત કૌર ગાબાએ ફોજદારી ઈન્કવારીને ફોજદારી કેસ તરીકે નોંધીને ડીસીપી નકુમ તથા વરાછા પીઆઈ ગુજીયા સરથાણા પીઆઈ પટેલ અમ ત્રણેય પોલીસ અધિકારીઓને બીએનએસની કલમ-227 બીએનએસની કલમ-115,54(ઈપીકો-323,114) હેઠળના ગુનાના જવાબ માટે સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે.
સરથાણામાં હોટલ સંચાલક કેતન ઘેલાણી અને ભાગીદાર પર હુમલાના ગુનામાં મનીષ કુકરી અને સાગરીતો મિતેશ ગાબાણી,ચિરાગ ઉર્ફે કાળુ અને આશિષ સામે ફરિયાદ નોંધાઇ હતી. સરથાણાના ઇન્ચાર્જ પી.આઇ એચ.બી.પટેલે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે પોલીસ કસ્ટડીમાં સરથાણા પીઆઈ પટેલ,ડીસીપી નકુમ તથા વરાછા પીઆઈ ગુજીયાએ માર માર્યાની આરોપીઓએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી. કોર્ટે આરોપીઓને સારવાર માટે મોકલ્યા બાદ મેડીકલ ઓફીસરે ઇજા અંગેનો રિપોર્ટ મોકલતા કોર્ટે ફોજદારી ઈન્કવાયરી તરીકે ચલાવવા હુકમ કર્યો હતો.
આરોપીઓએ સોગંદ પર જુબાનીમાં જણાવ્યું હતું કે, પચમઢીથી પોલીસે પકડયા બાદ ડીસીપી નકુમની ઓફિસમાં અન્ય ચાર પોલીસવાળાઓએ ગાળો બોલાવી લાકડીથી પગે માર માર્યો હતો. મનીષ કુકરીને તું સરથાણા વરાછા વિસ્તારનો લુખ્ખો છે એવું દસ વખત બોલવાનું કહીને મોબાઇલમાં રેકોર્ડીંગ કરીને ખોટા કેસ કરી ગુજસીટોક દાખલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓના પગ પર સાતથી આઠ પોલીસવાળા ઉભા રહેતા અને સરથાણા તથા વરાછા પીઆઈએ પગના તળીયાના ભાગે 20 થી 30ટ્ટા માર્યા હતા. ઘટનાના રિકન્સ્ટ્રકશનના બહાને જાહેર રોડ પર લંગડા ચાલવાનું કહીને બે હાથ નહીં જોડો તો ઉંધા પાડી દઇશું તેમ કહ્યું હતું.
કોર્ટે આરોપી અરજદારોની કોર્ટ સમક્ષની જુબાની તથા નવી સીવીલ હોસ્પિટલે આરોપીઓને થયેલી ઈજા 48 થી 72 કલાક સુધીમાં થઈ હોવા અંગેના સર્ટિફિકેટને ધ્યાને લીધું હતુ. પોલીસ કસ્ટડીમાં આરોપીઓને માર મારવામાં આવ્યો હોવાનુ ફરિયાદની હકીકતને તબીબી સર્ટિફિકેટ દ્વારા સમર્થન મળતું હતુ. જેથી કોર્ટે ઈન્કવાયરીના કામે માત્ર પ્રથમ દર્શનીય પુરાવો ધ્યાને લેવાનો હોય તેની સાબિતીમાં કોર્ટે પડવાનું ન હોવાનું જણાવી ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુધ્ધ ઈન્કવાયરીનો નિકાલ કરી ફોજદારી કેસ તરીકે નોંધીને સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

