ભંગારની આડમાં દારૂનું વેચાણ કરતું દંપતિ ઝડપાયું,બે વોન્ટેડ

વડોદરા, 04 માર્ચ, 2022
વડોદરા શહેરમાં હજુ પણ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂના ધંધા ધમધમી રહ્યા છે. પોલીસ ચોપડે દિન-પ્રતિદિન નોંધાતી ફરિયાદો તેના પુરાવા છે . તેવામાં લોકલ ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રિજ પાસે દરોડો પાડી દારૂ બિયરનો જથ્થો કબજે કરી દારૂ વેચતા દંપતીને ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. તેવી જ રીતે પીસીબીએ કોતર તલાવડીમાં દરોડો પાડી પોતાના ઘરમાં દારૂનું વેચાણ કરતા સગીરને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. હવે સ્થાનિક પોલીસ સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે કેમ? તે જોવું રહ્યું.
લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પંડ્યા બ્રિજ પાસેભૂખી કાંસ પાસે ઝૂંપડામાં રહેતો યાસીન ઉર્ફે મુન્નો મહંમદ વોરા અને તેની પત્ની ગંગાબેન ભંગારના ધંધાની આડમાં ઇંગલિશ તથા દેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી દંપતીને ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે 46 નંગ દારૂની પોટલીઓ, 09 નંગ દૂધી અને 60 નંગ બીયરના ટીન કબજે કર્યા હતા. તેમજ આ દારૂનો જથ્થો આપી જનાર વાસદના મોગર ખાતે રહેતા મુકેશ તેમજ દાહોદ ખાતે રહેતો કાળીયો નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવવા પીસીબી પોલીસ ટીમને માહિતી મળી હતી કે, માંજલપુરના કોતરતલાવડી વિસ્તારમાં પારસનગર ખાતે રહેતો સગીર પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી દારૂની વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સગીરને ઝડપી પાડયો હતો. તેના મકાનની તલાસી દરમ્યાન બેડરુમના પલંગ નીચેથી અને કિચનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 44 બોટલો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ દારૂનો જથ્થો છોટાઉદેપુરના સુનિલ મારવાડી નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.




