Get The App

દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી 1 - image

ઝઘડિયા તાલુકાના વણાંકપોરમાં રહેતા

જીટોડિયાના ચેહર માતાના મંદિરે વિદ્યાનગરની ઠગ મહિલાનો ભેટો થયો હતો : ચાર શખ્સ વિરૂદ્ધ ગુનો

આણંદ: ઝઘડિયા તાલુકાના વણાંકપોરમાં રહેતા દંપતીને યુકેના વિઝાની લાલચ આપી વિદ્યાનગરની મહિલા સહિત ૪ શખ્સોએ રૂા.૨૩.૨૫ લાખ છેતરપિંડી આચર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે કરવામાં આવી છે.

આણંદના જીટોડિયા ખાતે આવેલા ચેહર માતાજીના મંદિરે ૨૦૨૨થી ઝઘડિયા તાલુકાના વણાંકપોરમાં રહેતું દંપતી પિનેશકુમાર હરેશભાઈ પટેલ અને પિનલબેન દર્શનાર્થે આવતા હતા. પિનલબેન રાજપારડી ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. મંદિરના ભૂવા રમણભાઈ બારોટે વિદ્યાનગર ખાતે રહેતા તરૂલત્તાબેન અંબાલાલ પરમાર (રહે. મહાદેવ વિસ્તાર, લક્ષ-૮ સોસાયટી, વિદ્યાનગર) સાથે કરાવી હતી. તરૂલત્તાબેન સ્ટુડન્ટ વિઝાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. પીનલબેનને યુકે સ્ટુડન્ટ વિઝા ઉપર જવું હોવાથી તરૂલત્તાબેને વિઝાનું કામ કરી આપવા અને અંદાજીત ૨૫ લાખ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. આ અંગેના તમામ ઓરિજીનલ ડોક્યુમેન્ટ નવેમ્બર-૨૦૨૨માં લઈ તરૂલત્તાબેને દંપતી અને દીકરાના પાસપોર્ટ કઢાવી આપ્યા હતા. 

નવેમ્બર-૨૦૨૨થી ૨૩ દરમિયાન દંપતીએ તરૂલત્તાબેનને આરટીજીએસ અને યુપીઆઈ અને રોકડમાં રૂા. ૨૨.૯૦ લાખ આપ્યા હતા. છતાં પત્નીના સ્ટુડન્ટ વિઝા થયા ન હતા. આ અંગે તમારી પત્નીના ડિગ્રી પ્રમાણપત્ર દક્ષિણ ગુજરાત યુનિ.ના હોવાથી યુકેમાં માન્ય નથી માટે સ્ટુડન્ટ વિઝા નહીં મળે તેમ તરૂલત્તાબેને જણાવ્યું હતું. બાદમાં તરૂલત્તાબેને દંપતી અને દીકરાને વર્ક પરમિટ વિઝા પર મોકલી આપવાનું કહ્યું હતું. બાદમાં ઓનલાઈન વિવિધ રકમની ચૂકવણી કરવા છતાં વિઝાનું કામ થયું ન હતું. બાદમાં વિઝીટર વિઝા માટે ફિંગરપ્રિન્ટ આપવા અમદાવાદ વીએફએસ ગ્લોબલમાં ગયા હતા. તમામ ફોર્મ ભરી અમદાવાદના માનસીબેન બુચને મોકલી આપ્યા હતા. તા. ૨૧-૦૭-૨૦૨૪ના રોજ ત્રણેયના કુરિયર મારફતે આવેલા પાસપોર્ટ સ્ટેમ્પિંગ થયા વગરના હતા. તે અંગે પુછતા તેમના વિઝિટર વિઝા રિજેક્ટ થયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં રૂપિયા પાછા માંગતા તરૂલત્તાબેને ગણપતભાઈ અને ધ્રવેશભાઈ દરજીને કામ આપ્યું હોવાનું હતું. આ અંગે રૂપિયાની માંગણી કરતા ન આપી ઠગાઈ આચરી હતી.