સુરેન્દ્રનગર જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીઓની મતગણતરી યોજાઈ
વિજેતા સરપંચો અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા
32 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૯ પેટા ચુંટણી માટે સરપંચ અને વોર્ડના સભ્યોની હાર-જીતનો ફેંસલો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગત રવિવારે ૪૧ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી અને ૩૨ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી માટે ૭૭.૫૨ ટકા તેમજ ૯ પેટા ચુંટણી માટે ૭૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જીલ્લામાં અલગ-અલગ ૧૦ જગ્યાઓ પર સવારથી મતગણતરીનો ચુસ્ત પોલીસ બંદોબસ્તવચ્ચે પ્રારંભ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૦ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચ ૪૨૪ જેટલા વોર્ડના સભ્યો માટે અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ચુંટણી જાહેર થયા બાદ સરપંચ માટે ૨૯ અને વોર્ડના સભ્યો માટે ૨૮૨ બેઠકો મતદાન પહેલા જ બિનહરીફ થઈ હતી જ્યારે બાકીની બેઠકો માટે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સરપંચ પદ માટે ૮૫ અને સભ્યો માટે ૩૨૧ ઉમેદવારો બાકી રહેતા ગત રવિવારે કુલ ૬૯ મતદાન બુથો પર મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી અને સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી સામાન્ય ચુંટણીમાં ૭૭.૫૨ અને પેટા ચુંટણીમાં ૭૭ ટકા મતદાન નોંધાયા બાદ અલગ-અલગ ૧૦ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો અને બપોર સુધીમાં સરપંચ અને સદ્દસ્યોની હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. વઢવાણ તાલુકા માટે મહિલા આઈ.ટી.આઈ., લીંબડી-થાન-સાયલા-ધ્રાંગધ્રા મામલતદાર કચેરી, ચુડા સી.ડી.કપાસી હાઈસ્કૂલ, લખતર મોડેલ સ્કુલ, ચોટીલા ઝવેરચંદ મેઘાણી કોલેજ, મુળી સરકારી કોલેજ અને દસાડા સુરજમલજી હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી.