VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ

Baroda News : ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા, વડોદરા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરામાં દબાણ હટાવવા પહોંચેલી ટીમે ફેરિયાના સામાનને રસ્તા પર વેરવિખેર કરી દેતાં કોર્પોરેશનના કર્મચારી અને ફેરિયા વચ્ચે રકઝક થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ફેરિયાએ જાહેર માર્ગ પર વચ્ચોવચ સૂઈને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી સતત કાર્યરત રહે છે. જેમાં સયાજીબાગની ફરતે પણ કોર્પોરેશન દ્વારા અવારનવાર ફેરિયાઓના દબાણ દૂર કરવામાં આવે છે, ત્યારે શુક્રવારે (3 ઓક્ટોબર) પણ દબાણ શાખાની ટીમ સયાજીબાગ ખાતે નડતરરૂપ દબાણો દૂર કરવા પહોંચી હતી. આ દરમિયાન ગેટ નં.2 ખાતે વેફર્સ, ચણાદાળ જેવી ખાણીપીણીનું વેચાણ કરતા ફેરિયાઓ અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે રકઝક થઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
ફેરિયાના ખાણી-પીણીના સામાનને તંત્ર દ્વારા રસ્તા પર નીચે પાડી દીધો હોવાનો લોકો આક્ષેપ કર્યા હતા. આ મામલે એક ફેરિયાએ મુખ્ય માર્ગની વચ્ચોવચ સૂઈ જઈ દબાણ શાખાની કામગીરી સામે વિરોધ કર્યો હતો. રસ્તા પર સૂઈને ફેરિયાએ વિરોધ કરતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.


