ગુજરાતની તમામ GIDCમાં કામ કરતા શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરાશે
230 જેટલી જીઆઈડીસીમાં 17 લાખ શ્રમિકો : સુરત અને અમદાવાદથી ટેસ્ટનો પ્રારંભ કરાશે : એમ.થેન્નારાસન
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
ગુજરાતની જીઆઈડીસીમાં દરેક શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવા સૂચના અપાય છે અને જરૂર પડે તો શ્રમિકોને હોમ કોરેન્ટાઈન કરી જરૂરી મેડિકલ સુવિધાઓ આપવાની રહેશે. રાજ્યની 230 જેટલી જીઆઈડીસીને આ સૂચના આપી દેવાઇ છે.
અનલોક બાદ પરપ્રાંતીઓ ધીમે ધીમે ગુજરાતમાં આવી રહ્યા છે. તેથી આ શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવા માટે કવાયત શરૂ થઈ છે. મહામારી ન પ્રસરે એ હેતુથી હવે ગુજરાતની તમામ જીઆઇડીસી માં આવનાર શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેમાં સ્થાનિક તંત્રની મદદથી આ ટેસ્ટ થશે. ગુજરાતમાં 230 જેટલી જીઆઈડીસી સ્થાપિત છે. જેમાં 17 લાખ જેટલા શ્રમિકો કાર્યરત છે. પરપ્રાંતીય શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરાશે. તેમજ તેમને હોમ કોરન્ટાઈન અને મેડિકલની સુવિધા પણ પૂર્ણ કરવા માટે જીઆઇડીસીના એસોસિયેશનને સૂચના અપાઈ છે.
જીઆઈડીસીના એમડી અને કોરોનાની સ્થિતિમાં ખાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલા એમ.થેન્નારાસનએ જણાવ્યું હતું કે, કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. સુરત અને અમદાવાદમાં કેસોની સંખ્યા વધુ હોવાથી અને અહીં જીઆઇડીસી અને ઉદ્યોગોની સંખ્યા વધારે હોવાથી ટેસ્ટની કામગીરી આ શહેરોથી શરૂ કરાશે.