અમદાવાદ,બુધવાર,27 ડિસેમ્બર,2023
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહયો
છે.શહેરમાં કોરોનાના વધુ નવા આઠ કેસ નોંધાયા છે.હાલમાં કુલ ૪૨ એકિટવ કેસ
છે.મ્યુનિ.અર્બન હેલ્થ સેન્ટર ઉપર ૨૦૦ જેટલા લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાયા
હતા.આ તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
શહેરના નવરંગપુરા ઉપરાંત નારણપુરા, જોધપુર વોર્ડની
સાથે થલતેજ,ગોતા અને
સરખેજ વોર્ડમાં કુલ મળીને કોરોનાના નવા આઠ કેસ નોંધાયા છે.આ પૈકી પાંચ પુરુષ અને
ત્રણ મહિલા દર્દી છે.નવા નોંધાયેલા કોરોનાના દર્દીમાંથી ત્રણ દર્દી મથુરા ઉપરાંત
દુબઈ અને યુ.એસ.એ.ની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.કુલ ૪૨ એકટિવ કેસ પૈકી એક દર્દી
હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જયારે અન્ય ૪૧ દર્દી હોમઆઈસોલેશનમાં છે.મ્યુનિ.ના
આરોગ્ય અધિકારી ડોકટર ભાવિન સોલંકીના કહેવા મુજબ,શહેરમાં આવેલા મ્યુનિ.સંચાલિત તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે
કોરોના બાબતમાં ટેસ્ટ કરાવવા માંગતા લોકો માટે રેપીડ એન્ટિજન ટેસ્ટની સુવિધા શરુ
કરાઈ છે.જે લોકો આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવા માંગતા હોય તેવા લોકો માટે
એસ.વી.પી.ઉપરાંત વી.એસ.,એલ.જી.તથા
શારદાબહેન હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧નો
કોઈ કેસ અમદાવાદમાં નોંધાયો છે કે કેમ?
એ અંગે પુછતા તેમણે કહયુ,હજુ સુધી
અમદાવાદમાં નવા વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી.


