Cyber Crime: ઘર, ઓફિસ કે કોઈ સ્થળે બેઠાં હોઈએ અને મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર ઉપર એક લિન્કથી બેન્ક એકાઉન્ટ ખાલી કરતાં સાયબર ક્રાઈમ ચાંચિયાઓને અંકુશમાં લેવા ગુજરાત સહિત સાત રાજ્યમાં કો-ઓર્ડિનેશન ટીમ બનાવવામાં આવી છે. વર્ષ 2024માં ગુજરાતમાં સવા લાખ સહિત દેશભરમાં સાયબર ક્રાઈમની 11.21 લાખ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ફરિયાદો ન નોંધાઈ હોય તેવા લગભગ એટલાં જ કે વધુ કિસ્સા ગણવામાં આવે છે. આ સંજોગોમાં સાયબર ક્રાઈમ ઉપર કાયદાકીય પ્રહાર કરવા માટે ન્યાયક્ષેત્રના વિખવાદો ટાળવા જરૂરી જણાયાં હતાં. આથી, સાયબર ક્રાઈમ હોટસ્પોટ ગણાતાં બીજા રાજ્યોના વિસ્તારો સાથે સંકલન વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
રોમાન્સના બહાને 15% લોકો સાથે છેતરપિંડી
વર્ષ 2024માં દેશમાં સાયબર ક્રાઈમના 11.21 લાખથી વધુ ગુના નોંધાઈ ચૂક્યાં છે. યુ.પી.માં સૌથી વધુ બે લાખ જેટલા ઉપરાંત મહારાષ્ટ્રમાં સવા લાખ અને ગુજરાતમાં 1.21 લાખ સાયબર ક્રાઈમના ગુના રજીસ્ટર થયાં છે. દેશમાં નાગરિકો સાથે સાયબર ક્રાઈમ થકી 400 લાખ કરોડની ઠગાઈ થઈ ચૂકી છે. તેમાં ૩૦ ટકા રકમ નાગરિકોને ડીજીટલ એરેસ્ટ કરીને પડાવવામાં આવી છે. રોકાણોમાં વધુ વળતરની લાલચ આપી ઠગાઈની ટકાવારી 20 ટકા છે. ફિશિંગથી 20 ટકા, રોમાન્સના બહાને 15 ટકા લોકો સાથે છેતરપિંડી થાય છે. સાયબર ક્રાઈમના સતત વધતા જતા વ્યાપ સામે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરી તેની વિગતો સંસદમાં જાહેર કરાઈ હતી. દેશમાં સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાતા 7.81 લાખ સીમકાર્ડ બ્લોક કરાયા હતા. તો 84000 વોટ્સએપ એકાઉન્ટસ, બે લાખ આઈ.એમ.ઈ.આઈ. નંબર અને 4000 સ્કાઇપ આઈ.ડી. બ્લોક કરવામાં આવ્યાં છે.
જોઇન્ટ સાયબર કો-ઓર્ડિનેશનની ટીમ બનાવી
સાયબર ક્રાઈમ અટકાવવા માટે સાત જોઇન્ટ સાયબર કો-ઓર્ડિનેશન ટીમ બનાવવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ ઉપરાંત મેવાત, જામતારા, હૈદ્રાબાદ, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ અને ગુવાહાટીમાં સાયબર કો-ઓર્ડિનેશન ટીમો કાર્યરત છે. સાયબર ક્રાઈમ હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં મલ્ટી જ્યુરિડીક્શન એટલે કે બીજા રાજ્યો સાથેના ન્યાયક્ષેત્રના વિખવાદો ટાળવા કો-ઓર્ડિનેશન ટીમો કાર્યરત રહે છે. ગુજરાતમાં મેવાત, જામતારા અને રાજસ્થાનના સાયબર ગઠિયાઓ ઈ-ચીટિંગ આચરે છે. આવા સંજોગોમાં અન્ય રાજ્યો તથા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી બીજા રાજ્યના સાયબર ગુનેગારોને પકડવા તેમજ ગુનાખોરી અટકાવવા આ ટીમો કાર્યરત છે. સાથે જ, ગુજરાત સહિત દેશભરના એક લાખ પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન, ફોરેન્સિક અને પ્રોસિક્યુશનની તાલીમ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ શહેરીજનાએ પાલતું શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવું પડશે : નવી પોલિસી અમલી બનશે
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટે આયોજનબદ્ધ કાર્યવાહી દરમિયાન લોકો સાથે છેતરપિંડીથી મેળવાયેલાં નાણાં સ્થાનિક નાગરિકોના બેન્ક એકાઉન્ટસ ભાડે મેળવી વિદેશ મોકલી દેવામાં આવે છે. સાયબર ક્રાઈમની જાળ આંતરરાષ્ટ્રીય સ્તરે પથરાયેલી છે. વિશ્વમાં વર્ષે દિવસે 514 લાખ કરોડ રૂપિયાનું સાયબર ચીટિંગ થાય છે, તેના નાણાંની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ ચાલે છે. ભારતમાં નાણાંકી હેરાફેરીના નેટવર્ક ઉપર અંકુશ મેળવવાની દિશામાં સંકલિત કામગીરી ચાલી રહી છે.


