શહેરીજનાએ પાલતું શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવું પડશે : નવી પોલિસી અમલી બનશે
- મહાપાલિકાના વેટરનરી વિભાગે ડ્રાફ્ટ તૈયાર કર્યો, મંજૂરી બાદ અમલ
- પાલતું શ્વાનને બહાર લઈ તાં પૂર્વે મો પર માસ્ક પહેરાવવું પડશે : જાહેર અને ફરવાલાયક સ્થળોએ શ્વાનને શૌચક્રિયા કરાવી શકાશે નહીં
ભાવનગર : અમદાવાદમાં પાલતું શ્વાને ચાર માસની બાળકીને ફાડી ખાધાની ચકચારી ઘટનાના ભાવનગરમાં પણ પડઘાં પડયા છે. ભાવનગર મહાનગરપાલિકાએ પેટ ડૉગ માટે પોલિસી તૈયાર કરી છે. મંજૂરી મળ્યા બાદ શહેરીજનોને તેમના ઘરમાં પાલતું શ્વાન રાખવા હશે તો રજિસ્ટ્રેશન કરાવવાની સાથે સૂચિત માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવું પડશે.
અમદાવાદ અને સુરતમાં હાલ પાલતું શ્વાન રાખનાર માલિકે મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવાની જોગવાઈ અમલમાં છે. દરમિયાનમાં અમદાવાદમાં સોસાયટીમાં એક પાલતું શ્વાને ચાર માસની માસૂમ બાળકીને ફાડી ખાતાં સ્થાનિક મહાપનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પાલતું શ્વાન રાખવાના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. આ તરફ ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાએ પણ આ બનાવને ગંભીરતા લઈ તકેદારીના ભાગરૂપે શહેરમાં પેટ ડૉગ પોલિસી અમલી બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. મહાપાલિકાના વેટરનરી વિભાગે પેટ ડૉગ પોલિસી તૈયાર કરી છે જે મંજૂરી અર્થે કમિશનર સમક્ષ રજૂ કરાશે. બાદમાં સૈદ્ધાંતિક મંજૂરીની કાર્યવાહી હાથ ધરાશે. મહાપાલિકાના વેટરનરી વિભાગના વડા ડૉ. હિતેષ સવાણીએ જણાવ્યું કે, નવી પોલિસી અંતર્ગત હવેથી શહેરી હદ વિસ્તારમાં રહેતાં માલિક કે મિલકતના કબ્જેદારે પોતાની મિલકત, ઘર કે અન્ય બાંધકામમાં પાલતું શ્વાનને રાખવા હશે તો મહાપાલિકામાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત મહાપાલિકાની સૂચિત માર્ગદર્શિકા જેવી કે પાલતું શ્વાનને બહાર જાહેર સ્થળોએ લઈ જતાં પૂર્વે તેના મોં પર માસ્ક બાંધવાનું રહેશે,જાહેર અને ફરવાલાયક સ્થળોએ શ્વાનને શૌચક્રિયા કરાવી શકાશે નહીં, પાલતું શ્વાન અન્ય પશુ કે પક્ષીને ઈજા કરે તો માલિક સામે કાર્યવાહી કરવા તથા દરેક પેટ ડૉગધારકને પાલતું શ્વાન રાખવા બદલ લાયસન્સ લેવા સહિતની જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે. જો કે, આખરી માર્ગદર્શિકા તૈયાર થયા બાદ જ તેની અમલવારી શરૂ થશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. બીજી તરફ, શહેરમાં આગામી દિવસોમાં પાલતું શ્વાન રાખવાની પોલિસી અમલમાં આવ્યા બાદ શહેરમાં ખરેખર કેટલાં પાલતું શ્વાન છે તેની વિગત બહાર આવવાની સાથે અમદાવાદ જેવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાશે.
શહેરમાં 4 વર્ષમાં 22 હજાર શેરી કુતરાનું ખસીકરણ
ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી વિભાગે શહેરમાં રખડતાં કુતરાઓની વસતિમાં અંકુશ લાવવા માટે ખસીકરણ પ્રોજેકટ શરૂ કર્યો છે જે અંતર્ગત વિભાગે છેલ્લાં ત્રણ માસમાં ૨૧૦૦થી વધુ અને છેલ્લાં ચાર વર્ષમાં ૨૨ હજારથી વધુ ખસીકરણ કર્યા હોવાનું દાવા સાથે જણાવ્યું હતું.ખસીકરણના કારણે શહેરમાં રખડતાં શેરી કુતરાની વસતિ નિયંત્રણમાં હોવાનું પણ વિભાગે દાવા સાથે જણાવ્યું હતું.
1800 થી વધુ શેરી કુતરાને હડકવા વિરોધી રસી અપાઈ
શહેરમાં ડૉગબાઈટના ચિંતાજનક હદે વધી રહેલાં કિસ્સા બાદ ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી વિભાગે માસ રસીકરણ શરૂ કર્યું છે.વિભાગ દ્વારા ચોક્ક્સ વિસ્તાર પસંદ કરી સમગ્ર વિસ્તારમાં એક સાથે હડકવાં વિરોધી માસ રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૧૮૦૦થી વધુ શેરી કુતરાને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગત શિયાળા દરમિયાન શહેરમાં રોજિંદા ૧૦૦થી વધુ ડૉગબાઈટના કિસ્સા નોંધાતા તંત્રમાં હલચલ મચી ગઈ હતી.બાદમાં આ કાર્યવાહી શરૂ કરાઈ હતી.