Banaskantha News: બનાસકાંઠાના દાંતા પંથકમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં અમીરગઢના સરોતરા ગામે રસ્તાના ખાતમુહૂર્ત મુદ્દે નવો રાજકીય વિવાદ છેડાયો છે. રાજ્યના વનમંત્રી પ્રવિણ માળીના હસ્તે નિર્ધારિત ખાતમુહૂર્ત કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મોડી રાત્રે જઈને રસ્તાનું ખાતમુહૂર્ત કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
શનિવારે મોડી રાત્રે સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા
મળતી માહિતી અનુસાર, અમીરગઢ તાલુકાના સરોતરા ગામે રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત રવિવારે વનમંત્રી પ્રવિણ માળી દ્વારા કરવામાં આવનાર હતું. જોકે, શનિવારે (27મી ડિસેમ્બર) મોડી રાત્રે અંદાજે સાડા ત્રણ વાગ્યે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સમર્થકો સાથે સરોતરા પહોંચ્યા હતા. તેમણે ત્યાં નાળિયેર ફોડી અને કંકુ-ચોખા અર્પણ કરી વિધિવત રીતે રસ્તાનું ખાતમુહૂર્ત કરી દીધું હતું.
ધારાસભ્ય કાંતિ ખરાડીના આક્ષેપો
કોંગ્રેસ નેતા કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યો કે સરકાર અને મંત્રી તેમના મત વિસ્તારના કામોમાં તેમની અવગણના કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે પ્રોટોકોલ મુજબ આ સરકારી કાર્યક્રમમાં તેમને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
રિ-સરફેશિંગ કે નવો રસ્તો?
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ રસ્તાઓ 60 વર્ષ જૂના છે અને અત્યારે માત્ર 'રિ-સરફેશિંગ' (ઉપરનું પડ નવું બનાવવું) થઈ રહ્યું છે, છતાં તેને નવો રસ્તો કહીને ખાતમુહૂર્તનું નાટક કરવામાં આવી રહ્યું છે.
મંત્રી પ્રવિણ માળીનો પલટવાર
ધારાસભ્ય દ્વારા અગાઉથી જ ખાતમુહૂર્ત કરી દેવાતા વનમંત્રી પ્રવિણ માળીએ કાર્યક્રમમાં ફેરફાર કરી અન્ય સ્થળ કપાસિયા ગામે ખાતમુહૂર્ત કરવું પડ્યું હતું. મંત્રીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'આ રસ્તા માટે ધારાસભ્યએ ક્યારેય કોઈ લેખિત કે મૌખિક રજૂઆત કરી નથી. સરકાર પ્રજાના કામો કરી રહી છે ત્યારે વિપક્ષ માત્ર રાજકારણ રમી રહ્યો છે.'
આ ઘટના બાદ બનાસકાંઠાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ ભાજપ આને વિકાસના કામોમાં અડચણ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ તેને લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિના સન્માનની લડાઈ ગણાવી રહી છે.


