અફીણનું લાઇસન્સ આપો નહીંતર સુરેન્દ્રનગરની બેઠક જીતવા નહીં દઈએ: ભાજપના ધારાસભ્યનો વીડિયો વાઇરલ
Gujarat News: રાજ્ય સરકાર એક બાજુ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું દૂષણ નાથવા ખાસ અભિયાન ચલાવી રહી છે તો બીજી બાજુ, ભાજપના ધારાસભ્ય અફીણના નશાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. એટલું જ નહીં, ખુદ ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે જ નશાના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવાની શીખ આપી અફીણના લાઇસન્સની માંગ કરી છે. સાથે સાથે જાહેરમાં એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો રાજ્ય સરકાર અફીણનું લાઇસન્સ નહીં આપે તો, સુરેન્દ્રનગરની બેઠક ભાજપને જીતવા નહીં દઈએ.
યુવા પેઢી નશાનો શિકાર
ભાજપ સરકાર ભલે દાવા કરે પણ વાસ્તવિકતા એ છે કે, આજે યુવા પેઢી નશાનો શિકાર બની છે. દારૂ-અફીણ, ડ્રગ્સ છડેચોક વેચાઈ રહ્યું છે જેથી નશાના બંધાણીઓની સંખ્યા વધી રહી છે.
ભાજપ ધારાસભ્યએ અફીણના પરમીટ મેળવવા પરમીટની કરી માંગ
સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં તો આજે પણ લગ્ન પ્રસંગે અફીણનો ઉપયોગ થાય છે. આ વિસ્તારોમાં અફીણનું વ્યસન ઘર કરી ગયુ છે. આ જોતાં હવે દારૂની જેમ અફીણનું પણ પરમીટ મેળવવા ખુદ ભાજપના ધારાસભ્ય માંગ કરી રહ્યાં છે.
ચોટીલાના ધારાસભ્યએ અફીણના બંધાણીઓને આપ્યું પ્રોત્સાહન
આ સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે ગઢડા ખાતે આયોજીત એક ધાર્મિક પ્રસંગમાં અફીણના બંધાણીઓને પ્રોત્સાહન આપ્યુ હતું. તેમણે જાહેરમાં અફીણના બંધાણીઓને શીખ આપી કે, સરકાર પાસે અફીણના લાઇસન્સ માંગો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વિદ્યાર્થિની સાથે બાઇક રાઈડરનું અભદ્ર વર્તન, પાંચ દિવસ બાદ પણ પોલીસ નિષ્ક્રિય
સરકાર સામે મોરચો માંડવાની આપી શિખામણ
ખુદ ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવાની શીખ આપવા કહ્યું કે, 500 જણાં ભેગા થાઓ એટલે સરકાર આપોઆપ અફીણના લાઇસન્સ આપી દેશે. શામજી ચૌહાણ આટલેથી અટક્યાં ન હતાં. તેમણે એવી ચિમકી પણ ઉચ્ચારી કે, જો સરકાર અફીણના લાઇસન્સ નહીં આપે તો, સુરેન્દ્રનગરની બેઠક ભાજપને જીતવા નહીં દઈશુ.
નશાખોરીનું જાહેરમાં પ્રોત્સાહન
ભાજપના ધારાસભ્યએ જ જાણે નશાખોરીને જાહેરમાં પ્રોત્સાહન આપ્યુ હતું. અફીણનું લાઇસન્સ લેવા જાહેરમાં માંગ કરી હતી. આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને ભાજપના ધારાસભ્યની જાહેરમાં વાણીવિલાસને લઈને સરકારની મૂંઝવણમાં પણ વધારો થયો છે. ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓએ નશાની તરફેણ કરી પોતાની માનસિકતા છતી કરી છે.