અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોના આંતકને લીધે લાયબ્રેરી બંધ કરી આંગણવાડી શરૂ કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત
લાયબ્રેરીમાં અસામાજિક તત્વોનો આતંક હોય તો આંગણવાડીમાં નાના બાળકો કેવી રીતે સુરક્ષિત રહી શકશે?

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલી લાયબ્રેરીને બંધ કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત AMCમાં આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી હતી. AMC દ્વારા લાયબ્રેરી બંધ કરવા માટેનું કારણ જણાવાયું હતું કે, અસામાજિક તત્વોના આતંરકના કારણે લાયબ્રેરી બંધ કરીને આંગણવાડી શરૂ કરવામાં આવે. આ પ્રકારના હાસ્યાસ્પદ કારણને લઈને હવે સવાલો ઉભા થયાં છે કે, લાયબ્રેરીમાં અસામાજિક તત્વોનો આતંક હોય તો આંગણવાડીમાં નાના બાળકો કેવી રીતે સુરક્ષિત રહી શકશે. આવા ઉડાઉ કારણો જણાવીને લાયબ્રેરીને બંધ કરવા વિવાદિત દરખાસ્ત લાવવામાં આવી છે.
હાસ્યાસ્પદ કારણોને લઈને અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી AMCની શામળદાસ ભટ્ટ લાયબ્રેરીને બંધ કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી છે. આ લાયબ્રેરી 2017માં સ્થાનિક લોકો માટે શરૂ કરાઈ હતી અને તેમાં લોકો વાંચવા માટે આવતા હતાં. હવે કોર્પોરેશનના પુસ્તકાલય વિભાગ દ્વારા આ લાયબ્રેરીને બંધ કરી તેનું પઝેશન એસ્ટેટ વિભાગને આપવાની દરખાસ્ત લાવવામાં આવી છે. આ લાયબ્રેરી બંધ કરવા પાછળ એવું કારણ જણાવાયું છે કે, અહીં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે અને ભૂતકાળમાં પણ અનેક કર્મચારીઓ પર લુખ્ખા અને અસમાજિક તત્વોએ હૂમલાઓ કર્યાં છે. જેથી લાયબ્રેરીની જગ્યાએ ત્યાં આંગણવાડી બનાવવા જગ્યા સોંપવા દરખાસ્તમાં જણાવાયું હતું. આવા હાસ્યાસ્પદ કારણોને લઈને અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે. સ્થાનિક લોકોમાં આવા કારણોને લઈને રોષ ફેલાયો છે અને લાયબ્રેરીથી પોલીસ સ્ટેશન ખૂબજ નજીક છે જેથી પોલીસની મદદ લઈને આગળ વધવું જોઈએ.

