એક જ દિવસમાં ચેક ક્લિયરિંગના વાયદા સામે 4-4 દિવસથી રઝળતાં બેન્ક ખાતેદારો

Cheque Clearing System News : ચોથી ઓક્ટોબરથી જ ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણાં જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ ખાતેદારોને તેમના ડેબિટ થઈ ગયેલા નાણાં ચાર-ચાર કે પાંચ પાંચ દિવસ સુધી જમા મળતાં જ નથી. પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે.
તેમના કર્મચારીઓને પગાર ચૂકવવાના ગણિતો પણ ખોરવાઈ ગયા છે. કર્મચારીઓને પગાર ચૂકવવાની તારીખ વીતી ગયા છતાં પૈસા જમા મળ્યા નથી. આમ બેન્કની ક્લિયરિંગ સિસ્ટમની ખામીને પરિણામે કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ વિલંબ થયો છે.
પંજાબ નેશનલ બેન્કમાં સોમવારે ચેક જમા કરાવ્યો હતો. મંગળવારે સામી પાર્ટીના એકાઉન્ટમાંથી ચેક ડેબિટ થઈ ગયો હતો. ગુરુવાર સુધી ચેક જમા મળ્યો જ નથી. બીજીતરફ ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતાઓમાં પણ રકમ જમા મળતી નથી. દરેક બેન્કના સ્ટાફ હેડ ઓફિસનો સંપર્ક કરી લેવા ખાતેદારને જણાવી રહ્યા છે.
ખાતેદાર પણ આરંભિક સમસ્યા સમજીને વધી પડતા પ્રમાણમાં ફરિયાાદ કરતાં નથી. બે કલાકને બદલે બે દિવસ કે ચાર દિવસે પણ ચેકના નાણાં જમા મળતા નથી. અમદાવાદના જ સાયન્સ સિટી વિસ્તારમાં એક ખાતેદારે ૨૬થી ૨૭ લાખના મૂલ્યના અંદાજે ત્રણથી ચાર ચેક ચાર દિવસ પહેલા જમા કરાવ્યા હતા.
આ ચેક જે બેન્કના હતા તે બેન્કના ખાતામાંથી ડેબિટ થઈ ગયા છે. પરંતુ આજે છ દિવસે પણ તે બેન્ક ઓફ બરોડાની સાયન્સ સિટી બ્રાન્ચના ખાતેદારના ખાતામાં જમા મળ્યા નથી. આ અંગે બેન્ક ઓફ બરોડાની સાયન્સ સિટી બ્રાન્ચના મેનેજરનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે તમે અમારી હેડ ઓફિસનો સંપર્ક કરીને વિગતો માગી લો.
બીજી તરફ કોન્સન્ટ ક્લિયરિંગના આજના પાંચમાં દિવસે પણ બેન્ક કર્મચારીઓને રાતના બાર બાર વાગ્યા સુધી બેન્કમાં બેસી રહેવું પડે છે. ચેકના ક્લિયરિંગ માટે કેટલી રકમ અલગથી રાખવી તે અંગે પણ નિશ્ચિતતા હોતી નથી. ભૂતકાળમાં સાજે સાત વાગ્યા પહેલા જ બધાં ચેક ક્લિયરિંગમાં આવી જતાં હોવાથી તેઓ ખૂટતી રકમ તેમની ખાનગી બેન્કોમાંની રકમમાંથી મંગાવી લેતા હતા.
હવે સાત વાગ્યે તમામ બેન્કો બંધ થઈ જતી હોવાથી ક્લિયરિંગના ચેક વધુ રકમના આવે તો તકલીફ ન પડે તે હેતુથી જરૂર કરતાં વધુ રકમ અલગ રાખવાની ફરજ પડી રહી છે. સામાન્ય સંજોગમાં ક્લિયરિંગ માટે તેઓ બે કરોડ રાખી મૂકતા હોય તો અત્યારના સંજોગોમાં ત્રણથી ચાર કરોડ અલગથી રાખવા પડી રહ્યા છે. પરિણામે કેશ રિઝર્વ રેશિયોનો ભંગ થવાની સમસ્યા પણ તેમને નડી શકે છે. તેમણે કેશ રિઝર્વ રેશિયો પેટે બેન્કની કુલ થાપણના ત્રણ ટકા રકમ સીઆરઆરમાં ફરજિયાત રાખવી પડે છે.
તેથી બેન્કો જ કોન્સન્ટ ક્લિયરિંગ કરવા ઇચ્છતી નથી. તેઓ ક્લિયરિંગમાં નાણાં આવી ગયા પછી બે દિવસ સુધી જમા ન આપીને તે નાણાંનો પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરતી આવી છે. આ સંજોગોમાં બે કલાકના ક્લિયરિંગની સિસ્ટમ તેમના હિતમાં ન હોવાથી તેઓ નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને તેને માટે જવાબદાર ઠેરવી રહ્યા છે.
તેઓ આરટીજીએસ અને એનઈએફટીની સિસ્ટમ પર અને ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ પર જ મદાર બાંધવા જણાવી રહ્યા છે. તેથી જ બેન્કો તરફથી કેટલાક મેસેજ ખાતેદારોને મોકલવામાં આવી રહ્યા છે કે મેસેજમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે એનપીસીઆઈમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ચેક ટ્રન્કેશન સિસ્ટમ હેઠળ ક્લિયરિંગમાં વિલંબ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી દેવાની સૂચના છે.