Gujarat

ફ્રેન્ડને ડયૂટી સોંપી કોન્સ્ટેબલ બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહી

By GS Team
15 Mar 20221 min read
This article was originally published on 15 Mar 2022
ફ્રેન્ડને ડયૂટી સોંપી કોન્સ્ટેબલ બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહી

એરપોર્ટ ઉપર વીઆઈપી બંદોબસ્ત હતો

ગન જમા કરાવવા જતાં મહિલા કોન્સ્ટેબલ ને તેની ફ્રેન્ડનો ભાંડો ફૂટયા પછી માફી અપાઈ

અમદાવાદ : વીઆઈપી મૂવમેન્ટ ચાલતી હતી તેવા સમયે એક હથિયારી મહિલા  કોન્સ્ટેબલ તેના બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહી હતી. મહિલા કોન્સ્ટેબલ તેની ફ્રેન્ડને ડયૂટી ઉપર મુકીને ગઈ હતી અને આ ફ્રેન્ડ ગન જમા કરાવવા ગઈ તેવા સમયે ભાંડો ફૂટયો હતો.

ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં માફી અપાયાની પણ ચર્ચા છે. કિસ્સો વધુ ચર્ચાતા તપાસ શરૂ કરાયાનું સૂત્રો કહે છે. અમદાવાદ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા કિસ્સા મુજબ, વિતેલા પખવાડિયા દરમિયાન અમદાવાદમાં વીઆઈપી મૂવમેન્ટ રહી હતી તે દરમિયાન હથિયારી પોલીસ કર્મચારીઓને એરપોર્ટમાં ડયૂટી અપાઈ હતી.

પોલીસ હેડ કવાર્ટરની હથિયારી પોલીસની એક મહિલા કોન્સ્ટેબલને એરપોર્ટ ઉપર ડયૂટી સોંપાઈ હતી. પરંતુ, બોયફ્રેન્ડ સાથે ફરવા જવાનું નક્કી થતાં મહિલા કોન્સ્ટેબલ તેની ફ્રેન્ડને પોતાની જગ્યા ઉપર મુકીને જતી રહી હતી.

મહિલા કોન્સ્ટેબલની ફ્રેન્ડે ડયૂટી બજાવી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલને સોંપાયેલી ગન પરત સોંપવા માટે આ ફ્રેન્ડ હેડક્વાર્ટરમાં  ગઈ ત્યારે પકડાઈ ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલને રૂબરૂ બોલાવવામાં આવી હતી અને આખરે માફી આપવામાં આવી હતી તેવી ચર્ચા વેગવાન છે.

તાજેતરમાં જ અમદાવાદ પોલીસ હેડ કવાર્ટરના અધિકારીઓ યુ.પી. ચૂંટણીમાં હતાં તે દરમિયાન ઈન્ચાર્જથી ગાડું ગબડાવાતું હતું તેનો ગેરલાભ લેવાયાની ચર્ચા છે. ચર્ચાઈ રહેલી ઘટનામાં સત્ય જાણવા માટે તપાસ શરૂ કરાઈ હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.