જામનગર તાલુકાના ધુતારપર ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો
જામનગર તાલુકાના ધુતારપર ગામના ભીખાભાઈ લાલજીભાઈ ચૌહાણ, અરવિંદભાઈ ગુલાબભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ વાલાભાઈ રાઠોડ વગેરે દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધુતારપર ગામમાં સરકારી ખરાબા ની કરોડો રૂપિયાની (અંદાજે 25 કરોડ) જમીન પચાવી પાડી ત્યાં ગેરકાયદેસર રીતે 10 જેટલી દુકાનો અને એક ગોડાઉન જેવા પાકા બાંધકામ કરી લીધા હોય, આ દબાણકર્તાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવી જોઈએ.
જામનગર જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે ધુતારપર ગામમાં સરકારી ખરાબાની નવા રેવન્યુ સર્વે નંબર 309 (જુના રે.સ.નં. 251/પૈ.2) વાળી જમીનમાં ગામના જ મહિલા સરપંચ ભાવનાબેન પરેશભાઈ ભંડેરી, તેણી ના પતિ પરેશભાઈ છગનભાઈ ભંડેરી, પ્રવિણ છગનભાઈ ભંડેરી તથા અશ્વિનભાઈ છગનભાઈ ભંડેરી એ પાકા બાંધકામો સાથે ના દબાણો કર્યા છે. જેમાં 150 ચો.ફૂટ (અંદાજે)ની દસ દુકાનો છે, 1500 ચો.ફૂટનું એક ગોડાઉન બનાવાયું છે.
આ બાંધકામો પછી વીજતંત્રમાં ત્રણ સીંગલ ફેઝ ના તથા એક થ્રી ફેઝનું વીજ જોડાણ પણ લેવાયું છે. ગોડાઉન જેવી જગ્યામાં હિરા ઘસવાનું કારખાનું તેમજ દુકાનોમાં વેપાર ધંધા ચાલે છે, અને દબાણકર્તાઓ ભાડાના નાણાકીય ગેરલાભો મેળવી રહ્યા છે.
આ અરજી સાથે સરકારી રેકર્ડના આધાર પુરાવા અને દુકાનોના ફોટા રજૂ કરવામાં આવ્યા છે અને તાકીદે તપાસ કરી સરકારી જમીન પચાવી પાડનારા ઈસમો સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવા તથા સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક અસરથી દૂર કરવા માંગણી કરવામાં આવી છે.