બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં 7 અને 8 સપ્ટેમ્બર 2025ના રોજ આવેલા અચાનક પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન તેમણે સરકાર પાસે તાત્કાલિક રૂ. 1,000 કરોડના સહાય પેકેજની માગ કરી હતી અને સરકારની રાહત કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ
અમિત ચાવડાએ સુઈગામ તાલુકાના ભરડવા ગામ, વાવના મોરિખા ગામ અને થરાદના ડોડગામ તથા ખાનપુર ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પૂરથી પ્રભાવિત થયેલા પરિવારો સાથે વાતચીત કરી, તેમના તૂટેલા ઘરો, ખેતીના પાકને થયેલું નુકસાન અને પશુધનના મૃત્યુની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, "પૂરના કારણે ખેતી, પશુધન અને ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને ગંભીર આંચકો લાગ્યો છે."
કેશડોલ અને આરોગ્ય સેવાઓ પર સવાલો
ચાવડાએ સરકાર દ્વારા જાહેર કરાયેલા કેશડોલની નીતિ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "સરકારી તંત્ર દ્વારા પરિવારના માત્ર 2 સભ્યોને કેશડોલ આપવાનો ફતવો કોઈપણ રીતે સ્વીકાર્ય નથી." આ ઉપરાંત, તેમણે આરોગ્ય સેવાઓનો અભાવ પણ દર્શાવ્યો, "ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) હોવા છતાં દવાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે." તેમણે ઉમેર્યું કે, તમામ સમાજના લોકોએ સાથે મળીને નક્કી કર્યું છે કે જો પૂરતું વળતર અને કેશડોલ નહીં મળે તો તેઓ તેનો બહિષ્કાર કરશે.
પૂરના કાયમી ઉકેલ માટે કેનાલની માગ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારને ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, 2015, 2017, 2021 અને 2025માં વારંવાર પૂર આવે છે, જે દર્શાવે છે કે આ એક કાયમી સમસ્યા છે. તેમણે માગ કરી કે, "આ રણપ્રદેશના નજીકના વિસ્તારમાં પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થવી જોઈએ, જેથી ભાભર, થરાદ અને સુઈગામનું પાણી રણમાં નિકાલ કરી શકાય." તેમણે ખાતરી આપી કે કોંગ્રેસ આ તમામ માંગણીઓનું આવેદનપત્ર સરકારને સુપરત કરશે.
અમિત ચાવડાની આ મુલાકાત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. આ ઘટનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન માટે સરકાર પર દબાણ વધાર્યું છે.