રાજકોટ-જેતપુર જર્જરિત હાઈવે અને ટોલ ટેક્સ સામે વ્યાપક બનતો રોષ, કોંગ્રેસે કર્યો કલેક્ટર કચેરીનો ઘેરાવ
Images Sourse: 'X' |
Rajkot-Jetpur Highway: રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેના અણઘડ કામથી લાખો લોકોને થતી રોજિંદી હાલાકી સામે વ્યાપક રોષ જાગ્યો છે. જેથી મંગળવારે (આઠમી જુલાઈ) રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસની જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિ દ્વારા ઘેરાવ સહિત આંદોલન શરુ કરાયું છે. જેને ટેક્સી અને ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ટેકો જાહેર કરાયો છે.
ટ્રાવેલ્સ એસોસિયેશને આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું
ટ્રાવેલ્સ એસોસિયેશનના જણાવ્યાનુસાર, ઘણાં લાંબા સમયથી ટ્રાવેલ્સ સંચાલકો આ હાઈવે પર હેરાનગતિ અને દાદાગીરી ભોગવી રહ્યા છે. રજૂઆતનો કોઈ ઉકેલ આવતો નથી, જેથી આ આંદોલનને ખુલ્લુ સમર્થન આપવાની સાથે જરૂર પડ્યે ટ્રાવેલ્સ બસો હડતાળ પાડીને પૈડા થંભાવી દેવાશે. ટેક્સી એસોસિયેશને પણ આંદોલનને ટેકો આપવા સાથે ઉડતાળની ચિમકી ઉચ્ચારી છે અને બન્ને સંગઠનોએ ભારપૂર્વક ટોલ ટેક્સ રદ કરવા પણ માંગલી કરી છે.
કોંગ્રેસની હાઈવે હક્ક સમિતિ અંતર્ગત શરૂ થયેલા આ આંદોલનમાં કોંગ્રેસના નેતાઓ જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતનાં જોડાશે. આ આંદોલન અંગે જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'હાઈ-વેની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જે દ્રશ્યો મેં જોયા છે, આપણને લાગે કે મ્યુનિસિપલ તંત્રની, મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને તાળું મારી દેવું જોઈએ. આટલું ખાડે ગયેલું તંત્ર કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.'
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે હાલત અત્યંત બિસમાર
ઉલ્લેખનીય છે કે, રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે નંબર 27ની હાલત અત્યંત બિસમાર થઈ ગઈ છે. સિક્સ લેન બનાવવાની આ યોજનામાં 67 કિલોમીટરના રોડમાંથી હજુ માત્ર 20 કિલોમીટરનું જ કામ થયું છે. હાલમાં રસ્તાઓ ઠેર ઠેર ખોદી નખાયા છે. આ રસ્તા પર અસંખ્ય હેવી વ્હીકલ પસાર થતા હોવાથી ટ્રાફિક જામ, નાના-મોટા અકસ્માત સતત થાય છે. આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભરૂડી અને પીઠડિયાએ ટોલ ઉઘરાવાય છે.