Get The App

જૂનાગઢના ભેસાણની ચકચારી ઘટનામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનારા શિક્ષક-ગૃહપતિ સામે અંતે FIR

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
જૂનાગઢના ભેસાણની ચકચારી ઘટનામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનારા શિક્ષક-ગૃહપતિ સામે અંતે FIR 1 - image


Junagadh News: જૂનાગઢમાં આવેલા ભેસાણના માં અમર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મુદ્દે અંતે શાળાના પ્રિન્સિપાલ અને ગૃહપતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શાળાના ટ્રસ્ટીઓએ આપેલી ફરિયાદના આધારે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં અનેકવાર સમાધાનના પ્રયાસો થયા હોવાથી ઘટનાને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા હતા પરંતુ સીસીટીવીએ સમગ્ર બનાવની પોલ ખુલ્લી પાડી દીધી છે.

ભેસાણની માં અમર શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલ અને ગૃહપતિ દ્વારા અડપલાં કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ ઉઠયા હતા. આ અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ અગાઉ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફેરવી તોળ્યું હતું. શાળાના સંચાલકોએ પણ લૂલો બચાવ કર્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દેતાં અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જે સીસીટીવી જાહેર થયા છે તેમાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં થતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ સાથે બનાવ બન્યો તે તથા તેમના વાલીઓ, બાળ સુરક્ષા અધિકારી, શિક્ષણ વિભાગ તમામને સાથે રાખી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી. 

સોમવારે ટ્રસ્ટી દ્વારા ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે કે, તેમની શાળાના પ્રિન્સિપાલ કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોષીએ બે બાળકો સાથે તેમના ગુપ્ત અંગોને સ્પર્શ કરી શારિરીક અડપલા કર્યા હતા, બે બાળકો આ ઘટનાના સાક્ષી છે. આ અંગે ભેસાણ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ, ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ બંને આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે.  આ ઉપરાંત સ્કુલના સીસીટીવી કેમેરા જોઈ અન્ય કોઈ બાળકો સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ કે તે અંગેની તપાસ  હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો: આણંદ અને પંચમહાલમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, જાણો 24 કલાકમાં ગુજરાતમાં કેટલો ખાબક્યો વરસાદ

શિક્ષકોએ અડપલાં નહીં પણ મશ્કરી કરી હતી: વાલી!

આ બનાવ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ સોમવારે બપોરે દાવો કર્યો હતો કે, મેં સમગ્ર ઘટનાના સીસીટીવી જોયા છે, શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે મશ્કરી કરી રહ્યા છે. કોઈજાતનું ખરાબ કૃત્ય કરવામાં આવ્યું નથી. આ સંસ્થાને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સંસ્થાને બદનામ ન કરો તેવી મારી અપીલ છે.

'વાલીઓના સંતોષ માટે બંને શિક્ષકોને બરતરફ કર્યા'

માં અમર શાળાના ટ્રસ્ટી લલિત સાવલિયાએ દાવો કર્યો હતો કે, અમારી સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે, અમે આ અંગે તપાસ કરીએ છીએ. જો તપાસમાં કંઈ સામે આવશે તો અમે કાર્યવાહી કરીશું. સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્થાને બદનામ કરવાનો પ્રયત્ન થાય છે. જે બાળકે આક્ષેપ કર્યો છે તેને કોઈએ ફોસલાવી-ધમકાવી આવું બોલાવ્યું હોવાનું ખુદ બાળકે સ્વીકાર્યું છે. સંચાલકો વતી એમ પણ કહેવાયું છે કે આ સંસ્થાના એકેડમિક એડવાઈઝર કલ્પેશ રાખોલીયાએ સમગ્ર ઘટનાના રેકોર્ડિંગ  ચેક કર્યા છે તેમાં કોઈ તથ્ય બહાર આવ્યું નથી. એક ષડયંત્ર રચી ધાર્મિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાને બદનામ કરવામાં આવે છે. વાલીઓના સંતોષ માટે બંને શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ તેમની ટીમ સાથે તપાસ અર્થે ભેસાણ દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બાળકો, સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ અને શિક્ષકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે તેમાં કોઈ ગંભીરતા દેખાતી નથી છતાં જરૂર પડશે તો વધુ તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હોય તેવું પોલીસે જણાવ્યું છે.

Tags :