વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો
Valsad News: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે બિસ્માર બની જતા મંગળવારે (15મી જુલાઈ) બગવાડા ટોલનાકા પર ભારે વિરોધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા સહિતના કાર્યકરો 'રોડ નહીં તો ટોલ નહીં', 'ભાજપ ભાવો ભષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો' સહિતના બેનરો સાથે જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા.
હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ
વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 બિસ્માર બની જતા ઠેર ઠેર મોટા ખાડાઓ પડી છે. જેને લઈને મંગળવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ટોલનાકા પર 'રોડ નહી, તો વોટ નહીં'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. નવા વરાયેલા જિલ્લા પ્રમુખ કિશન પટેલ, માજી જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, આગેવાનો સહિત કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે દેખાવ કર્યો હતો.
મહિલા સહિતના કાર્યકરો રોડ નહીં તો ટોલ નહી, ભાજપ ભગાવો ભષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો સહિતના બેનરો સાથે જોડાયા હતા. આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. જેને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ જણાવ્યું હતું કે, 'હાઈવે પર પડેલા ખાડાને કારણે નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે, ત્યારે તંત્ર ગંભીર બની પગલા ભરે. પારડીમાં ખાડાને કારણે વલસાડના બાઈકચાલકનું મોત થતા પરિવાર પર આફત આવી હતી. હાઇવે અને જિલ્લાના અનેક રોડો બિસ્માર બની જતા અકસ્માતનો બનાવો અને નિર્દોષના ભોગ લેવાતા તંત્રને જગાડવા દેખાવ કરવામાં આવ્યો હતો.' નોંધનીય છે કે હાઇવે પર પડેલા ખાડા અને બિસ્માર હાલત અંગે હાલમાં જ ટેક્સી એસોસિયેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશને બગવાડા ટોલનાકા પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી.