જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, '40 ટકા કમિશન કોનું?' તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદર્શન
Jamnagar News : જામનગર મહાનગરપાલિકામાં ચાલી રહેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને 40 ટકા કમિશનના આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે. આજે (30 જુલાઈ) જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસે શાસક પક્ષ પર વિકાસ કાર્યોમાં 40% ભાગીદારીનો આરોપ લગાવીને કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગી કાર્યકરો પોતાના શરીર પર "વિકાસ કામોમાં 40% કમિશન કોનું?" જેવા સૂત્રો લખેલા બેનરો પહેરીને પહોંચ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વગર ટેન્ડરે કામો અને નિયમો નેવે મૂકવાના આરોપો
વિરોધ પક્ષનો આરોપ છે કે, રંગમતી નદીને ઊંડી ઉતારવાના 8.50 કરોડ રૂપિયાથી વધુના કામને સ્ટેન્ડિંગ કમિટીએ વગર ટેન્ડરે મંજૂર કર્યું છે. કોંગ્રેસના મતે, આ કામમાં તમામ નિયમોને નેવે મૂકીને લાગતા-વળગતા લોકોને મોટા આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યા છે. વિપક્ષે આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે અને જણાવ્યું છે કે આ કામમાં સત્તાધારી પાર્ટીના અંગત લોકોને ફાયદો કરાવવા માટે જાણી જોઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી, જે સ્પષ્ટ ગેરરીતિ દર્શાવે છે.
ભૂગર્ભ ગટરના કામોમાં પણ ગેરરીતિનો આક્ષેપ
આ ઉપરાંત, વિપક્ષે વોર્ડ નંબર 6, 7, 11, 12 અને 16 માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામોની ગુણવત્તા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ કામોમાં પણ સત્તાધારી પક્ષના નેતાઓ ભાગીદાર હોવાથી, મનફાવે તેવું કામ કરતી એજન્સી સામે અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેઓ દાવો કરે છે કે રાજકીય ઇશારે આ એજન્સીને છાવરવામાં આવી રહી છે. વિપક્ષે જામનગર મહાનગરપાલિકાના કેટલાક ઇજનેરો પર પણ મિલીભગતનો આરોપ લગાવ્યો છે, જેઓ સ્થળ પર નિરીક્ષણ કરતા નથી અને ખોટા બિલો મૂકીને કરોડો રૂપિયાનો પ્રજાનો પૈસો વેડફી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
આરોપો છતાં કોઈ કાર્યવાહી નહીં: શંકાનો દાયરો
કોંગ્રેસનું કહેવું છે કે, આટલી બધી ફરિયાદો હોવા છતાં, જામનગર મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સી વિરુદ્ધ કોઈ નોટિસ કે દંડ ફટકારવામાં આવતો નથી, જે બાબત શંકા ઉપજાવનારી છે. આજે વિરોધ પક્ષના આગેવાનો અને કાર્યકરો આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ચેરમેન હાજર ન હોવાથી તેમના કાર્યાલયના દરવાજે આવેદનપત્ર ચોંટાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી જામનગરના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ અને રાજકીય ઘર્ષણ જોવા મળી શકે છે.