જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Jamnagar News : જામનગર શહેરમાં સોશિયલ મીડિયાની તાકાતનો અદભૂત દાખલો જોવા મળ્યો છે, જ્યાં એક સાયકલ ચોરને સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોના કારણે ચોરેલી સાયકલ પરત મૂકવાની ફરજ પડી છે. સવારે 8 વાગ્યે સાયકલની ચોરી કર્યા બાદ, બપોરે 2 વાગ્યા સુધીમાં તસ્કરે સાયકલ પાછી મૂકી દીધી, જે સોશિયલ મીડિયાના વ્યાપક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
સાયકલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
જામનગરમાં નદીપા રોડ પર આવેલા દીવાનખાના ચોક વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ કલરવાળાએ પોતાની સાયકલ ઘરની બહાર લોક કર્યા વિના રાખી હતી. સવારે આઠ વાગ્યાના સુમારે એક તસ્કર ત્યાં આવ્યો અને આસપાસ કોઈ ન હોવાનો મોકો જોઈને સાયકલ ઉપાડીને રફુચક્કર થઈ ગયો. પરંતુ, તસ્કરની આ સમગ્ર કરતૂત નજીકના મકાનના પહેલા માળે લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.
સાયકલ ચોરી થયા બાદ, અબ્બાસભાઈ કલરવાળાએ સમય ગુમાવ્યા વિના આ સીસીટીવી ફૂટેજ પોતાના મોબાઈલ નંબર સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા. તેમણે વીડિયો સાથે એક સંદેશ પણ લખ્યો કે, "આ સાયકલ ચોર અહીંથી સાયકલ ચોરી કરીને ભાગ્યો છે, જો કોઈને તેની જાણકારી મળે તો આ નંબર પર માહિતી આપવી."
આ વીડિયો એટલો ઝડપથી વાઈરલ થયો કે તેની જાણકારી સાયકલ ચોર સુધી પણ પહોંચી ગઈ. સોશિયલ મીડિયા પર પોતાનું કરતૂત અને ઓળખ ખુલ્લી પડી જવાનો ડર લાગતા, તસ્કર ગભરાઈ ગયો.
ડરના માર્યા સાયકલ પરત: સોશિયલ મીડિયાનો સકારાત્મક પ્રભાવ
ડરના માર્યા સાયકલ ચોર બપોરે આશરે બે વાગ્યે ફરીથી નદીપા વિસ્તારમાં આવ્યો અને તેણે જે સ્થળેથી સાયકલની ચોરી કરી હતી, તે જ સ્થળે સાયકલ પરત મૂકીને ભાગી છૂટ્યો. આખરે, અબ્બાસભાઈ કલરવાળાને તેમની સાયકલ હેમખેમ પાછી મળી ગઈ.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ
આ ઘટના દર્શાવે છે કે, કેવી રીતે સોશિયલ મીડિયા જો સકારાત્મક રીતે ઉપયોગમાં લેવાય તો, ચોરી જેવા ગુનાઓને રોકવામાં અને ગુનેગારોને પકડવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં, પોલીસ ફરિયાદ કે લાંબી કાયદાકીય પ્રક્રિયા વિના જ, માત્ર સોશિયલ મીડિયાના પ્રભાવથી એક ચોર સીધો દોર થઈ ગયો અને ચોરાયેલી વસ્તુ તેના મૂળ માલિકને પરત મળી.