Get The App

વડોદરામાં ભૂખી કાંસ રી-રૂટ કરવાના વિરોધમાં જન આંદોલન, ધરણા પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

Updated: May 2nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ભૂખી કાંસ રી-રૂટ કરવાના વિરોધમાં જન આંદોલન, ધરણા પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત 1 - image


Vadodara : વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં ભૂખી કાંસ રી-રૂટ કરવાના વિરોધમાં જન આંદોલનના ભાગરૂપે આજે સવારે ધરણા અને સહી ઝુંબેશ નો કાર્યક્રમ થાય તે પહેલા પોલીસે કોંગ્રેસના 28 લોકોની અટકાયત કરી લીધી હતી. આંદોલનના ભાગરૂપે તેઓએ સૂત્રોચાર કર્યા હતા.

વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતાના કહેવા મુજબ ભૂખી કાંસ રી-રૂટ કરવું એટલે નેવાના પાણી મોભે ચડાવવા બરાબર છે. આ કામ કરવાથી જ્યાં પૂર નથી આવતા તે વિસ્તારમાં પણ પૂરની શરૂઆત થશે, એટલે ભૂખી કાંસ ડાઈવર્ટ કરવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે એ જ અમારી માગણી છે. આ કાંસને તેની મૂળ સ્થિતિમાં પાછો લાવી દબાણો દૂર કરવાના બદલે 40 કરોડનો જે ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ છે. થોડા સમય અગાઉ આ મુદ્દે અહીં મિટિંગ થઈ હતી, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ કાંસ વોર્ડ નંબર એકના બદલે હવે વોર્ડ નંબર બેમા ડાઈવર્ટ કરવામાં આવશે, એટલે કે પહેલા વોર્ડ નંબર એકમાં છાણીથી પંડ્યા બ્રિજવાળા રસ્તે ડાઈવર્ટ કરવાનું હતું તેના બદલે હવે છાણીથી ડિલક્સ વાળા રોડ પર કામ ડાઈવર્ટ કરવામાં આવશે. કાંસ ડાયવર્ટ કરવાથી જે નવા રોડ બનેલા છે તે ખોદવામાં આવશે, તેના કારણે કોર્પોરેશન પર વિના કારણ ખર્ચ રોડ ફરીથી બનાવવાનો વધી જશે. ભૂખી કાંસ રી-રૂટ કરવાનો નિર્ણય નોન ટેકનીકલ છે .ખરેખર તો મૂળ કાંસ પહોળી કરી તેના પરના દબાણો ખુલ્લા કરવાની જરૂર છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ પૂર નદી અને કાંસના પૂરગ્રસ્ત વિસ્તારોનું સીમાંકન કરવાની અને તેનો સર્વે કરવાની આવશ્યકતા છે. રી-રૂટ અને  કાંસ ડાયવર્ટ કરી તેમજ વિશ્વામિત્રીમાં ખોદકામનું કાર્ય કર્યા પછી પણ સરકાર એવી ખાતરી આપશે કે પૂર નહીં આવે? જ્યાં સુધી આ નિર્ણય પડતો નહીં મુકાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માં આવશે એમ તેઓએ જણાવ્યું હતું.

Tags :