Get The App

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો 1 - image


લોક કલાકાર દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો. ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જોકે, આજે(28 ડિસેમ્બર) બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો 2 - image

તાજેતરમાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ પરિવારના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા. ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ ની ઉપસ્થિતિમાં ખવડે સામે ચાલીને સંબંધો સુધાર્યા હતા. બંને પક્ષે એકબીજાને મીઠાઈ ખવડાવીને દુશ્મનાવટ પૂરી કરી હતી અને વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો હતો. લગભગ 5 મહિના સુધી ચાલેલા સંઘર્ષ, કાયદાકીય લડત અને જેલવાસ બાદ હવે બંને પક્ષોએ સમજદારી દાખવી છે. આ સમાધાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને પક્ષો હળવાશભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે.

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો 3 - image

શું છે સમગ્ર માથાકૂટ અને કેસ?

• અમદાવાદના સનાથલ ગામ ખાતે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૈસા આપવા છતાં કલાકાર દેવાયત ખવડ હાજર ન રહેતાં તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી બંને જૂથ વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી.

12 ઓગસ્ટ 2025ના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર લોક કલાકાર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

• આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરાયા હતા. 17 ઓગસ્ટ 2025ના રોજ દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ હતી. દેવાયત ખવડને 17 સપ્ટેમ્બર, 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. 

20 ઓગસ્ટ 2025ના રોજ ધ્રુવરાજસિંહના સમર્થનમાં સનાથલ ગામમાં આવેલી ચૌહાણ વાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક આગેવાન ભગવતસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ વિજયસિંહ ચૌહાણ, પૂર્વ ડેલિગેટ ચૌહાણ બલરાજસિંહ, ચૌહાણ દિવાનસિંહ, સાણંદ તાલુકાના રાજપૂત સમાજ પ્રમુખ હરપાલસિંહ વાઘેલા સહિત 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત ખવડ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરાઈ હતી.

18 સપ્ટેમ્બર 2025ના રોજ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી. વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો મૂકી છે. જેમાં આરોપીઓએ દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા સૂચન કર્યુ હતું.

• ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી દાખલ કરી હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા ફરિયાદીએ રજૂઆત કરી હતી. જે અરજી પર 11 નવેમ્બર 2025ના રોજ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા. સેશન્સ કોર્ટે તેમને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે હુકમ કર્યો હતો. જોકે, હાઈકોર્ટે આ કેસમાં દખલ કરી દેવાયત ખવડને હાજર થવા માટે વધુ એક મહિનાની મુદત લંબાવી હતી.

11 ડિસેમ્બર 2025ના રોજ દેવાયત ખવડને પોલીસ સમક્ષ હાજર થવામાં આંશિક રાહત મળી હતી. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને સરેન્ડર કરવા વધુ એક મહિનાનો સમય આપ્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે 30 દિવસમાં ચાંદોગર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 8 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરાશે.

• આજે (28 ડિસેમ્બર 2025) આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. સનાથલના ચૌહાણ પરિવાર અને દેવાયત ખવડ વચ્ચે ઔપચારિક રીતે સમાધાન થઈ ગયું છે. ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની હાજરીમાં બંને પક્ષોએ એકબીજાનું મોં મીઠું કરાવીને જૂની અદાવત ભૂલાવી દીધી છે.