ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Local Body Elections 2026: વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કરજણ અને શિનોર તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા, આ બંને બેઠકો બિનહરીફ રીતે ભાજપના ફાળે ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને હાઈપ્રોફાઈલ બેઠકો પર ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ ‘શૌચાલય’ હોવાનું સામે આવ્યું છે.
કરજણ અને શિનોરમાં તલાટીના રિપોર્ટને આધારે ફોર્મ રદ
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની બારસામણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા અને ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજ હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ત્યાં શૌચાલય નહીં હોવાનો ભાજપના ઉમેદવારે રજૂઆત કરી વાંધો ઉઠાવ્યો હતો. તલાટીના રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
આ મામલે કોંગ્રેસના ઉમેદવારના પતિ વિપુલભાઈએ હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે, "અમે વર્ષોથી મામાને ત્યાં રહીએ છીએ અને ત્યાં શૌચાલયની વ્યવસ્થા છે. જો શૌચાલય ન હોત તો વર્ષ 2018માં હું સરપંચ અને વર્ષ 2021માં મારી પત્ની પંચાયત સભ્ય તરીકે કેવી રીતે ચૂંટાયા હોત? તે વખતે ફોર્મ મંજૂર થયું હતું, તો અત્યારે કેમ રદ થયું?"
શિનોરમાં પણ શૌચાલયે જ બાજી બગાડી
આવી જ રીતે શિનોર તાલુકા પંચાયતની વિભાગ-1ની બેઠક પર ભાજપના પ્રમોદ વસાવાએ કોંગ્રેસના રમેશ વસાવા સામે શૌચાલય ન હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. આ કિસ્સામાં તલાટીના રિપોર્ટમાં શૌચાલય હોવાનું જણાવાયું હોવા છતાં, અધિકારીએ રૂબરૂ મુલાકાત દરમિયાન ત્યાં શૌચાલય ન મળતા ફોર્મ રદ કર્યું હતું. કોંગ્રેસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.









