જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

Jamnagar News : ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ અને જવ જેવા મુખ્ય પાકોને સંપૂર્ણ નુકસાન થવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ દ્વારા પૂર્વ સંસદસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં સુપરત કર્યું હતું.

મુખ્ય માગણીઓ
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ગુજરાત રાજ્યના તમામ અસરગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક રાહતનાં પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો પર રહેલા કૃષિ લોન તથા સહકારી બેંકના દેવાને તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે, અને પશુપાલકો અને માલધારીઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માગ કરાઈ હતી. વધુમાં વિસ્તારવાર નુક્સાનનું સઘન સર્વેક્ષણ કરીને રાહતની રકમ સીધી જ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો: હિંમતનગર: '40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે', કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ
આ આવેદનપત્રમાં જામનગર જિલ્લાના ખેડૂતોની અત્યંત વિકટ પરિસ્થિતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યાં ઉભા પાક નાશ પામવાથી તેમની આશાઓ તૂટી ગઈ છે અને પશુઓ માટે ચારો મેળવવો પણ મુશ્કેલ બન્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ખેડૂતો જોડાયા હતા.

