બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને માયાજાળમાં ફસાવી દાગીના અને રોકડા પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : તમારા પરિવારને નાગ નાગિનનો દોષ છે, તમે વિધિ કરશો તો હું દોષ મારા પર લઇ લઇશ, તેવું કહીને ત્રણ મહિલાઓએ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને માયાજાળમાં ફસાવી દાગીના અને રોકડ ભરેલું પર્સ લઇને જતી રહી હતી. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ નારાયણ વિદ્યાલય રોડ પર આદિત્ય હાઇટ્સમાં રહેતાં હેતલબેન હિતેશભાઇ ચૌહાણ સંતકબીર રોડ પર બ્યુટી પાર્લર ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે પોણા એક વાગ્યે હું પાર્લર પર આવી હતી. પાર્લર ખોલતાની થોડીવારમાં જ ત્રણ મહિલાઓ આવી જણાવ્યું હતું કે, અમારે વેક્સ તેમજ ફેસિયલ કરાવવું છે. ત્યારબાદ ત્રણ પૈકીની જાડી મહિલાએ વાતો શરૂ કરી કહ્યું કે, આ બેનને જોગણી માતાની કૃપાથી લગ્નના 25 વર્ષ પછી બાબો આવ્યો છે. મારા પર જોગણી માતાની અસીમ કૃપા છે. તારા અને તારા પરિવાર પર નાગ-નાગિનનો દોષ નડી રહ્યો છે, હું કહું તેવું કરીશ તો આ દોષ હું લઇ લઇશ. તેના માટે તારે પૂજા કરવી પડશે જેમાં સ્ત્રીધન અને પૈસાની જરૂર પડશે. વિધિ કર્યા પછી તમને પરત આપી દઇશ. આ મહિલાએ મને માયાજાળમાં લેતા હું તેની વાતોમાં આવી ગઇ હતી. મેં જાતે જ મારા ગળામાંથી મંગળસૂત્ર ઉતારી મારા પાકીટમાં મૂકી પાકીટ તેને આપી દીધું હતું. પાકીટમાં પૈસા પણ હતા. આ મહિલાએ 7 વખત મારા પરથી પાકીટ ફેરવી તેની સાડીમાં મારી પાસે મૂકાવ્યું હતું.
ત્યારબાદ તેઓએ કહ્યું કે, તમે ઊંધા ઊભા ફરી જાવ અને પાછળ જોતા નહી. ત્રણેય મહિલાઓએ મને માયાજાળમાં લેતા હું તેઓના વિશ્વાસમાં આવી ગઇ હતી. આ ત્રણેય મહિલાઓ મારું દોઢ તોલા વજનનું મંગળસૂત્ર તથા રોકડા 3,500 લઇને જતી રહી હતી.









