Get The App

અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના 'રિક્ષા હપ્તા કાંડ'નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટીકરવાળી ઉઘરાણીનો કર્યો પર્દાફાશ

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના 'રિક્ષા હપ્તા કાંડ'નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટીકરવાળી ઉઘરાણીનો કર્યો પર્દાફાશ 1 - image

Congress Alleges On Ahmedabad Police : ગુજરાતની રાજનીતિમાં હલચલ મચાવે તેવો એક ચોંકાવનારો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન થકી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં દોડતી મોટાભાગની રિક્ષાના ચાલકો પાસેથી પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને રિક્ષા દીઠ રૂ. 1000નો હપ્તો વસૂલવામાં આવે છે. આ હપ્તો વસૂલવા માટે પોલીસ દ્વારા રિક્ષાચાલકોને વિશિષ્ટ સ્ટીકર આપીને એક ખાસ મોડસ ઓપરેન્ડીથી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

માસિક રૂ. 1000 હપ્તો, વાર્ષિક રૂ. 180 કરોડનું કૌભાંડ!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટિંગ ઓપરેશનના તારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલકો સાથેની વાતચીતમાં સામે આવ્યું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રિક્ષાનો રૂ. 1000નો હપ્તો લેવામાં આવે છે. કોંગ્રેસના દાવા મુજબ, અમદાવાદ શહેરમાં કુલ 3 લાખ રિક્ષાઓ છે, જેમાંથી અંદાજે 1.5 લાખ જેટલી રિક્ષા શટલ રિક્ષા તરીકે (જેની પરમિશન આરટીઓ નિયમ મુજબ નથી) ચલાવવામાં આવે છે.

"જો 1.5 લાખ શટલ રિક્ષા પાસેથી વાર્ષિક રૂ. 12000 (માસિક રૂ. 1000) લેખે હપ્તો વસૂલવામાં આવે તો, માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી રૂ. 180 કરોડથી વધારે હપ્તાની ગેરકાયદેસર ઉઘરાણી થાય છે." સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ રૂ. 1000 કરોડથી વધુનું હોવાની શંકા પણ કોંગ્રેસે વ્યક્ત કરી છે.

સ્ટીકરની મોડસ ઓપરેન્ડી: હપ્તો ભર્યાનું 'પ્રમાણ' 

કોંગ્રેસે આ ઉઘરાણી પાછળની ચોક્કસ પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) સમજાવતાં જણાવ્યું હતું કે,

- હપ્તો આપનાર રિક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે.

- આ સ્ટીકર હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે.

- સ્ટીકર લગાવેલી રિક્ષાઓને પોઇન્ટ પર પોલીસ દ્વારા રોકવામાં આવતી નથી.

- દર મહિને આ સ્ટીકરની ડિઝાઇન બદલવામાં આવે છે અને દિવાળી જેવા તહેવારોમાં ખાસ દીવા સ્વરૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકુમાર જાટ કેસ: ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની તારીખ નક્કી! ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ

આ સમગ્ર કૌભાંડ મામલે કોંગ્રેસે ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવનનિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે.

કોંગ્રેસનું કહેવું છે કે, જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવાની છૂટ અપાય તો હપ્તા ઉઘરાવતું ગેરકાયદેસર નેટવર્ક આપોઆપ તૂટી પડે. વધુમાં, કોંગ્રેસે એ પણ સ્વીકાર્યું કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવા વિસ્તારોમાં શેરિંગ રિક્ષા વડે જ સામાન્ય જનતાનું ટ્રાન્સપોર્ટેશન શક્ય બને છે.

પોલીસનો પ્રત્યુત્તર

અમદાવાદ પોલીસ પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ મામલે જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે પોલીસ અધિકારીઓએ આ બાબતે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો.

Tags :