દાહોદ બાદ હવે જાંબુઘોડામાં મનરેગા કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ, 4 વર્ષમાં 293 કરોડનો ખર્ચ
MGNREGA Scam in Jambughoda : ગુજરાતમાં મનરેગા યોજના કૌભાંડમાં દાહોદના મંત્રી બચુ ખાબડના બે પુત્રો જેલમાં ગયા બાદ હવે રાજ્યના સૌથી નાના તાલુકા, પંચમહાલના જાંબુઘોડામાં 4 વર્ષમાં મનરેગા યોજનામાં 293 કરોડનો ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડી 78% રકમનું મટીરિયલ ખરીદી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનાસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતા અને તેમના મળતિયાઓ મનરેગામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. મનરેગા યોજના કે જે UPA કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. ભાજપ સરકાર દ્વારા પણ આજે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. આ બજેટમાં લોકોને રોજગારી આપવાની જગ્યાએ ભાજપના નેતાઓ ખિસ્સા ભરી રહ્યા છે. દાહોદ જિલ્લાની તપાસ થાય તો 10,00 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે.
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી
અમિત ચાવડાએ કહ્યું હતું કે મોટું કૌભાંડ ખુલ્લું પાડતા જણાવ્યું કે દાહોદ જેવો જ ભ્રષ્ટાચાર હવે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયત છે અને ફક્ત 42,000 ની વસ્તી છે. જેમાં 2021-22માં 54 કરોડોનો ખર્ચ, 2022-23માં 128.99 કરોડ, 2023-24 69.88માં કરોડ, 2024-25 વર્ષમાં 40.38 કરોડ ખર્ચ થયો છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે 'મટીરિયલ સપ્લાય ચાલે છે એની માહિતી મને ભાજપનાં કાર્યકરો દ્વારા આપવામાં આવી છે. જેમાં ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ ટ્રેડિંગ કંપની અને જય માતાજી સપ્લાયર્સ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. દાહોદની મુલાકાતે આવતા પીએમ નરેન્દ્ર મોદીને આ માહિતી પહોંચાડવાની છે. ભાજપના શાસનમાં એમના ખાસ એવા ચોકીદારો બેઠા છે અને એ જ ચોરી કરે છે. આ ચોકીદારો પ્રધાનમંત્રીના દિલ્હીથી આવતા એક રૂપિયાનો એક પૈસો પણ લોકો સુધી પહોંચવા દેતા નથી.'