વડોદરામાં મોડી રાતે ગેસની તીવ્ર દુર્ગંધ, આંખ અને ગળામાં બળતરાની ફરિયાદો
વડોદરા, તા. 30 જાન્યુઆરી 2020 ગુરૂવાર
વડોદરા શહેરમાં ઠંડીના વધેલા પ્રમાણ વચ્ચે બુધવારે મોડી રાતે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ગેસની દુર્ગંધથી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
ગયા વર્ષે પણ શિયાળા દરમિયાન આ પ્રકારની દુર્ગંધની ફરિયાદ ઉઠી છે. આજે રાતના 9 વાગ્યા બાદ શહેરના છાણી, સમા, ગોરવા, કારેલીબાગ એમ સંખ્યાબંધ વિસ્તારોમાં બહાર રસ્તા પર નીકળેલા અને ઘરોમાં બેઠેલા લોકોએ ગેસની તીવ્ર ગંધ અનુભવી હતી. ફાયર બ્રિગેડના સૂત્રોનુ કહેવુ હતુ કે, છેક હરણી-વારસીયા રિંગ રોડ પરથી પણ દુર્ગંધ મારી રહી હોવાની ફરિયાદ મળી રહી હતી.
આ વિસ્તારના કાઉન્સિલરનુ પણ કહેવુ હતુ કે, મને સમા અને છાણી વિસ્તારમાંથી લોકોએ ફોન કરીને ગેસની દુર્ગંધથી પરેશાની થઈ રહી હોવાની ફરિયાદ કરી છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન બોર્ડમાં અને કલેક્ટર કચેરીમાં કાઉન્સિલરે રજૂઆત પણ કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, સંખ્યાબંધ લોકોને ગેસની અસરના કારણે આંખમાં અને ગળામાં બળતરાનો અનુભવ થયો હતો. લોકો ડરના માર્યા બહાર પણ નીકળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના છેવાડાના વિસ્તારોમાં સંખ્યાબંધ કંપનીઓ અને કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે ત્યારે કોઈ કંપનીએ જ ગેસ રિલિઝ કર્યો રહ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે. ગયા વર્ષે પણ આ પ્રકારની ફરિયાદો બાદ તંત્ર દોડતુ થયુ હતુ અને તેની તપાસ ગુજરાત રિફાઈનરી સુધી લંબાઈ હતી. જોકે એ પછી પણ ગેસ દુર્ગંધ પાછળનુ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નહોતુ.