બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ
Amreli News : અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકે તેવો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીંના કોટડા પીઠા ગામમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે અડપલાં કરવા બદલ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
શાળાના સંચાલક સામે વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી શૈલેષ શંભુભાઈ ખુટ (ઉં.વ. 39) પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ વખત અડપલાં કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટના બહાર આવતા જ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો
ફરિયાદ નોંધાયા બાદ બાબરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી શૈલેષ ખુટની ધરપકડ કરી હતી. ત્યારબાદ, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.