સોશિયલ સાઈટ્સ પર કાયદા ક્લિનીક સામે બાર કાઉન્સિલને ફરિયાદ
ફેસબુક એકાઉન્ટ પર કાનુની સેવા આપવાની જાહેરાત કરનાર તત્વો સામે પગલાં ભરવા જિલ્લા વકીલ મંડળને પણ ફરિયાદ
સુરત,તા.22 જુલાઈ 2020 બુધવાર
એક તરફ કોરોના સંક્રમણને પગલે વકીલોની પ્રેકટીસ અને આવક પર કાપ મુકાયો છે. જ્યારે બીજી તરફ સોશ્યલ સાઈટ્સ પર અડાજણ-વરાછા વિસ્તારમાં કાયદા ક્લીનીકના નામે અજાણ્યા શખ્સો દ્વારા લોકોને વ્યાજબી ભાવે કાનુની સેવા આપવાની જાહેરાત થતાં બાર કાઉન્સિલ તથા સુરત જિલ્લા વકીલ મંડળને આ મુદ્દે કાયદેસરના પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
સુરત જિલ્લા વકીલ મંડળના સભ્ય ચૈતન્ય પરમહંસ દ્વારા સુરત જિલ્લા વકીલ મંડળ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોને ફેસબુક એકાઉન્ટ પર કાયદા કિલનિકના નામે વાજબી ભાવે કાનુની સેવા સલાહ આપવાની જાહેરાત કરતા અજાણ્યા એકાઉન્ટ ધારક સામે કાયદેસરના પગલાં ભરવા માંગ કરી છે. જે મુજબ અડાજણ તથા વરાછા વિસ્તારમાં કાયદા ક્લિનીકનો પ્રારંભ કરીને અન્ય કાયદા પ્રદાન કરતી સંસ્થાની તુલનાએ બધી કાનુની સેવામાટે વ્યાજબી ફી અંગે જાહેરાત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે બાર કાઉન્સિલ એક્ટ ઓફ ઈન્ડીયા રૃલ્સ તથા એડવોકેટ એક્ટ હેઠળ પ્રોફેશ્નલ એથિક્સથી વિરુધ્ધ આ પ્રકારની જાહેરાત કરી શકાય નહી. જેથી હાલમાં એક તરફ કોરાના વાયરસના સંક્રમણને લીધે જુનિયર વકીલોની પ્રેકટીસ બંધ છે. જ્યારે બીજી તરફ કાયદા ક્લીનીકના નામે આ પ્રકારે સોશ્યલ મીડીયા પર એડવોક્ટ એથીક્સની વિરુદ્ધ આ પ્રકારે જાહેરાત કરવા સામે વકીલઆલમમાંથી વિરોધનો સુર ઉઠયો છે.