Get The App

જોધપુર વોર્ડના કોર્પોરેટરના પુત્ર સામે દુષ્પ્રેરણની ફરિયાદ

Updated: Mar 28th, 2023

GS TEAM

Google News
Google News
જોધપુર વોર્ડના કોર્પોરેટરના પુત્ર સામે દુષ્પ્રેરણની ફરિયાદ 1 - image


- પતિના ત્રાસથી કંટાળી પત્નીની આત્મહત્યા 

અમદાવાદ,તા.28 માર્ચ 2023,મંગળવાર

સરખેજ ફતેવાડીની આઝાદ સોસાયટીમાં જોધપુર વોર્ડના કોર્પોરેટર અરવિંદ પરમારની પુત્રવધુએ રવિવારે સવારે પોતાના પિયરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના ડૉકટર પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતો કોર્પોરેટરનો પુત્ર અને મૃતક યુવતીનો પતિ અવારનવાર પત્ની સાથે તકરાર કરતો હોવાનો તેમજ દારૂ પીવાની ટેવવાળો હોવાનો આક્ષેપ ફરિયાદમાં છે. સરખેજ પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો હતો.

પત્નીને સાળંગપુર દર્શન કરવા લઈ ગયો ત્યારે પણ આરોપીએ તકરાર કરી હતી

સાણંદ ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં બી.એ.એમ.એસ. ડૉકટર તરીકે કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતાં જય અરવિંદભાઈ પરમાર વિરૂધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં તેના સસરા શૈલેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉં,૪૭)એ ફરિયાદ આપી છે. જે મુજબ ગત તા.૩૦મી જાન્યુ,૨૦૨૩ના રોજ ફરિયાદીની ૨૪ વર્ષીય પુત્રી જ્હાનવીના લગ્ન વેજલપુર ખાતે સિધ્ધી સોસાયટીમાં રહેતાં જય પરમાર સાથે થયા હતા. લગ્નના દોઢ માસના ગાળામાં જ્હાનવી તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. ફરિયાદીને પુત્રીએ જણાવ્યું કે, તેનો પતિ દારૂ પીને અવારનવાર તકરાર કરે છે. ગત તા.૨૨મી માર્ચના રોજ જય તેની પત્ની જ્હાનવીને સાળંગપુર દર્શન કરવા માટે લઈ ગયો હતો. તે સમયે જ્હાનવી કોર્પોરેટર સસરાએ ફોન કરી જણાવ્યું કે, જયને દારૂ પીવાની ટેવ હોવાથી, તું તેણે બાધા લેવડાવજે. આ મુદ્દે પણ જયે સાળંગપુર જતા પત્ની સાથે તકરાર કરી હતી. સાળઘપુરથી દર્શન કર્યા બાદ જય પત્નીને પિયરમાં ઉતારી નીકળી ગયો હતો. તે સમયે ફરિયાદીને પુત્રીએ પતિએ રસ્તામાં ઝઘડો કર્યાની વાત કરી હતી. આમ, દારૂ પી અવારનવાર ઝઘડો-તકરાર કરતા પતિના ત્રાસથી રવિવારે સવારે જ્હાનવીએ પોતાના પિયરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

વધુ વાંચો અમદાવાદમાં કોર્પોરેટરની પુત્રવધુએ પતિની દારૂ પીવાની ટેવથી કંટાળીને આપધાત કર્યો

Tags :