રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ
Amreli News : અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે, જેના કારણે શહેરની સ્વચ્છતા પર ગંભીર અસર પડી છે. આશરે 100થી વધુ કામદારો નગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આ વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે.
ગંદકી ફેલાવતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ વાઈરલ
સફાઈ કામદારોની હડતાળ વચ્ચે નગરપાલિકાએ અન્ય એજન્સી દ્વારા સફાઈ કરાવવાનો પ્રયાસ કરતાં કામદારોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિરોધ વચ્ચે, બે સફાઈ કામદારો દ્વારા બજારમાં સડેલું માંસ ફેંકવામાં આવ્યું હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ, ગંદકી ફેલાવવાના આરોપસર આ બંને કામદારો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેના કારણે સફાઈ કામદારોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
કાયમી નોકરી અને 15 દિવસની વારાપદ્ધતિ બંધ કરવાની માગ
સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓ પૈકી, પાલિકામાં ખાલી જગ્યાઓ હોવા છતાં કાયમી ભરતી ન કરવાનો આક્ષેપ મુખ્ય છે. અગાઉ 130 જેટલા કામદારો કામ કરતા હતા, જ્યારે હવે માત્ર 30 કામદારો જ કામ કરી રહ્યા છે. કામદારોની માગ છે કે, હાલની 15-15 દિવસના વારાની પદ્ધતિ બંધ કરીને તેમને કાયમી ધોરણે કામ આપવામાં આવે.
આ પણ વાંચો: મહીસાગર ખરોડ ગામના લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત, કાદવ-કીચડમાં ચાલવા મજબૂર
આ પહેલાં, પાલિકાએ નવી એજન્સી દ્વારા સફાઈ કરાવવાનો પ્રયાસ કરતાં કામદારોએ સફાઈના સાધનો આંચકી લીધા હતા, જેના પગલે પોલીસે 30થી વધુ કામદારોની અટકાયત કરી હતી. સફાઈ કામદારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અને ધરણા ચાલુ રહેશે, જેના કારણે રાજુલા શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.