માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી મામલે પુત્ર - પુત્રવધુ સામે ફરિયાદ
ભરણપોષણના કેસમાં સમાધાન માટે માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂકવાની પુત્ર તથા પુત્રવધુએ ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વૃધ્ધની ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવાર ચાર રસ્તા પાસે રહેતા અને નાયબ કાર્યપાલ ઈજનેર તરીકે નિવૃત્ત જીવન ગુજારતા 66 વર્ષીય જશુભાઈ ગોવિંદભાઈ માયાવંશીએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2011માં પરિવાર ચાર રસ્તા પાસે આવેલ નારાયણ હાઈલાઈફ ડુપ્લેક્સમાં મારા તથા મારા પુત્ર રાજુ માયાવંશીના નામે મકાન ખરીદ્યું હતું. મકાનના હપ્તા મારા બેંક ખાતામાંથી કપાત થાય છે. આ મકાનમાં હું તથા મારી પત્ની રહેતા હતા , જ્યારે પુત્ર પત્ની વંદના સાથે બનાસકાંઠા ખાતે રહેતો હતો. વર્ષ 2023માં પુત્ર રાજુ પત્ની વંદના સાથે અહીં રહેવા માટે આવી ગયો હતો. ગત 12મે ના રોજ પુત્ર તથા તેની પત્નીએ "તમે અમારા ઉપરના ભરણપોષણના કેસમાં સમાધાન કરી લો, સમાધાન ન કરવું હોય તો ઘરમાંથી બહાર નીકળી જાવ " તેમ જણાવી અમારી સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હતો. અગાઉ પણ મારા પુત્ર અને તેની પત્ની વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

