Gujarat

સેટેલાઈટ આઝાદ સોસાયટીમાં રહેતી મહિલાની રાજસ્થાનના જયપુરમાં રહેતાં સાસરિયાં વિરૂધ્ધ ફરિયાદ

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
સેટેલાઈટ આઝાદ સોસાયટીમાં રહેતી મહિલાની રાજસ્થાનના જયપુરમાં રહેતાં સાસરિયાં વિરૂધ્ધ ફરિયાદ

- પતિને મહિલાના પિતાએ 5 લાખ આપ્યા બાદ પણ વધુ 50 લાખની માંગણી કરી તકરાર અને મારઝૂડ કરતો

- પતિનું અન્ય મહિલા સાથે પ્રેમપ્રકરણ બહાર આવતા પત્ની પાસે છૂટાછેડા માંગી પિયરમાં મોકલી દીધી

અમદાવાદ, તા. 16 માર્ચ 2022, બુધવાર 

સેટેલાઈટની આઝાદ સોસાયટીમાં રહેતી મહિલાએ રાજસ્થાનના જયપુરમાં રહેતાં સાસરિયાં વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને મહિલાના પિતાએ 5 લાખ આપ્યા બાદ પણ વધુ 50 લાખની માંગણી કરી તકરાર અને મારઝૂડ કરતો છતાં પણ પરિણીતા સહન કરતી હતી.  જોકે, પતિનું અન્ય મહિલા સાથે પ્રેમપ્રકરણ બહાર આવતા આરોપીએ પત્ની પાસે છૂટાછેડા માંગી પિયરમાં મોકલી દીધી હતી. 

2001માં યુવતીના રાજસ્થાન જયપુરમાં રહેતા સતપાલસિંગ સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ અને નણંદ અવારનવાર તકરાર કરતા તેમજ દહેજની માંગણી કરતા હતા. તે પછી પતિએ અલગ રહેવાનો નિર્ણય કર્યો અને પત્નીને પિતા પાસેથી 5 લાખ રૂપિયા નવું મકાન ખરીદવા લીધા હતા. તે પછી પણ પતિ વધુ રૂ.50 લાખની રકમની માગણી કરતો હતો. નહિલાને દારૂ પીને મારઝૂડ કરતો તેમજ સાસુ પણ પતિને ચઢામણી કરતા હતાં. 2018માં મહિલાનો ભાઈ સીમંતમાં ગયો તો સતનામે રૂ.50 લાખની માંગણી કરી તકરાર કરી હતી. દરમિયાન મહિલાને પતિ ના પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થઈ હતી. આ બાબતે પૂછતાં પતિએ મને તું છૂટાછેડા આપી દે એટલે હું પ્રેમિકા સાથે લગ્ન કરી લઉં તેમ કહી તકરાર કરી હતી. પતિ પ્રેમિકા સાથે જતો રહ્યા બાદ સાસુએ મહિલાના પિતાને ફોન કરી પુત્રીને લઈ જવા જણાવ્યું હતું. 

તે પછી સમાધાન થતા મહિલા પતિના ઘરે રહેવા ગઈ હતી પણ સતત ત્રાસ અને તકરાર ચાલુ જ રહ્યા હતા. આખરે જાન્યુઆરી,2022માં ફરી મહિલાને બે બાળકો સાથે પિતા અને ભાઈ અમદાવાદ ખાતે પિયરમાં લઈ આવ્યા હતા.