બોગસ પુરાવા રજૂ કરી બેલદારની નોકરી મેળવનાર ચાર સામે ફરિયાદ
શૈક્ષણિક લાયકાત ધો. 9 સુધીની હોવા છતા તેનાથી વધુ અભ્યાસ મેળવનારાઓએ બોગસ સર્ટી રજૂ કર્યા હતા
સુરત તા. 19 જુલાઇ 2020 રવિવાર
સુરત મહાનગરપાલિકામાં બેલદાર માટેની નિયત શૈક્ષણિક લાયકાત કરતા વધુ લાયકાત ધરાવતા હોવા છતા શૈક્ષણિક લાયકાતના બોગસ પુરાવા રજૂ કરી નોકરી મેળવનાપ એક મહિલા સહિત ચાર વિરૂધ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
મહાનગરપાલિકાના રીક્રુટમેન્ટ વિભાગના પર્સોનલ ઓફિસર ડીક્સન માઇકલ ક્રિશ્ચિયને મનોજ પ્રેમજી બગડા (રહે. અંબિકાનગર સોસાયટી, રામનગર), અરિવંદ રામઅવતાર યાદવ (રહે. જી-1 પ્રિયંકા સિટી, ગોડાદરા), પ્રકાશ મુકેશ પટેલ (રહે. દિહેણ ગામ, ઓલપાડ) અને કલાવતી ધર્મેન્દ્ર કંથારીયા (રહે. સિધ્ધાર્થ ચોક, ડભોલીગામ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મનપામાં બેલદારની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધો. 4 પાસ અને વધુમાં વધુ ધો. 9 છે. પરંતુ મનોજ બગડા મોરાભાગળની લોકમાન્ય સ્કુલમાં ધો. 12 અને નવયુગ કોલેજમાં અભ્યાસ કર્યો હોવા છતા બેલદારની નોકરી મેળવવા સાવરકુંડલાની શાળામાંથી ધો. 7નો અભ્યાસ કર્યાના બોગસ પુરાવા ઉભા કરી રજુ કર્યા હતા. અરવિંદ યાદવે સાબર ગામની અંબાબા કોમર્સ કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કર્યો હોવા છતા વતન સુલતાનપુરની જ્ઞાનોદય સ્કુલમાંથી ધો. 5 સુધીનો અભ્યાસ કર્યાના બોગસ પુરાવા રજૂ કર્યા હતા. જયારે પ્રકાશ પટેલે દિહેણ ગામની સ્કુલમાંથી ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હોવા છતા માત્ર ધો. 7 સુધીનો અભ્યાસ કર્યાનું રજૂ કર્યુ હતું અને કલાવતી કંથારીયાએ પણ ધો.12 સુધીનો અભ્યાસ કર્યો હોવા છતા માત્ર ધો. 7 સુધીનો અભ્યાસ કર્યાનું ખોટા કબુલાતનામા પર સહી કરી નોકરી મેળવી હતી. આ સમગ્ર બાબત મનપાને મળેલી અરજી અને ઇ-મેઇલના આધારે તપાસ કરતા બહાર આવી હતી અને ત્યાર બાદ ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.