પોલીસ જ અપહરણ અને લૂંટ કરશે તો લોકો કોની પર વિશ્વાસ કરશે, જાણો કેમ પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો
આરોપી પોલીસ કર્મી આકાશ પટેલ ક્રાઈમ બ્રાંચમાં નહીં પણ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે
Updated: Aug 25th, 2023
અમદાવાદઃ શહેરમાં પોલીસ જ અપહરણ અને લૂંટના ગુનાને અંજામ આપવા માંડી છે. ત્યારે સામન્ય માણસ હવે પોલીસ પર વિશ્વાસ કરશે કે નહીં તેવા સવાલો ઉભા થયાં છે. શહેરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા એક વેપારીનું અપહરણ કરીને રૂ.55 લાખની લૂંટ કરનાર સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલ સહિત 4 સામે સોલા હાઈકોર્ટ પોલીસે લૂંટ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આકાશ પટેલ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે.
આકાશ અને તેના સાગરિતો ભૂગર્ભમાં ઉતરી ગયા
ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિસ સંજયભાઈ પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.18 ઓગસ્ટે આકાશ પટેલ સહિત 4 જણાંએ તેમનું અપહરણ કરીને ધાકધમકી આપીને રૂ.55 લાખ લૂંટી લીધા હતા. આ ઘટનાનો ભાંડો ફૂટતા જ આરોપી આકાશે પૈસા પાછા આપવાની વાત કરીને વેપારીને રૂ.30 લાખ પાછા આપી દીધા હતા. પરંતુ બાકી રહેલા રૂ.25 લાખ પાછા આપ્યા ન હતા. જો કે આ ઘટના અંગે સંજય પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલ સહિત 4 સામે ગુરુવારે મોડી રાતે ગુનો નોંધ્યો હતો. આકાશ અને તેના સાગરિતો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાથી પોલીસના હાથમાં આવ્યા નથી.
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સંજય પટેલ 18 ઓગસ્ટે કલોલથી અલ્કાઝાર ગાડી લઈ તેમની ઓફીસ ખાતે આવ્યા હતા. તેમની સાથે તેમના કાકાનો દિકરો તથા મિત્ર મુકેશ પટેલ ઓફીસના પાર્કીંગ ખાતે ગાડીમાં બેઠા હતા ત્યારે ગાડીની પાછળ એક સીયાઝ ગ્રે કલરની ગાડી આવી અને તેમાંથી ચાર અજાણ્યા માણસો ઉતરી સંજય પટેલની ગાડીના દરવાજા આગળ ઉભા રહી ગયા હતા અને કહેવા લાગ્યા હતાં કે, અમે ક્રાઈમ બ્રાંચથી આવીએ છીએ તમારી એક મેટરમાં પુછપરછ કરવાની છે. સંજય પટેલે તેઓને પુછ્યું હતું કે, શેની મેટર છે એટલે આરોપીઓએ તેમને કહ્યું હતું કે, સાહેબનો ઓર્ડર છે તેમની સાથે વાત કરી લે જે. ત્યાર બાદ આ ચાર જણાઓ સંજય પટેલ પર ઉશ્કેરાઈ ગયા હતાં. મોબાઈલ અને ગાડીની ચાવી લઈ લીધી હતી. ત્યાર બાદ કેસની પતાવટ માટે 70 લાખ રૂપિયા માંગ્યા હતાં. ખોટા કેસ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. આ ચારેય સામે આજે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.