રાજ્યમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા ફરજિયાત, શિક્ષણ વિભાગનો નિર્ણય
Education Department Gujarat : રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા ફરજિયાત પણે લેવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં મદદનીશ કેળવણી નિરીક્ષકોની બઢતી માટે શિક્ષકોના અનુભવની સાથે-સાથે તેમની પરીક્ષા લેવાશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જ્યારે પરીક્ષા ઉપરાંત ખાનગી અહેવાલ, ખાતાકીય તપાસ અને જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી બાદ યોગ્ય જણાતાં શિક્ષકોની બઢતી કરવામાં આવશે.
મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતીના નિયમમાં ફેરફાર
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે શિક્ષકોને સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે બઢતી અપાશે. હાલના તબક્કે શિક્ષકોના અનુભવ, કામગીરી અને સુખાકારીના આધારે બઢતીની પ્રક્રિયા કરવામાં આવી હતી.
જ્યારે હવે શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. જેમાં અનામત નીતિ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે તક જળવાઈ રહેશે. જ્યારે આ પછી દસ્તાવેજ ચકાસણી કરાશે. જેમાં હિન્દી પરીક્ષા, કોમ્પ્યુટર નોલેજ, H-TAT પ્રમાણપત્ર રજૂ કરવા આવશ્યક રહેશે.