કોમર્સમાં 80 અને સાયન્સમાં 50 અને આર્ટસમાં 70 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત

વડોદરાઃ ધો.૧૨ પછી રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ થકી પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે.તા.૨૯ થી ૩૧ મે દરમિયાન પ્રવેશનો પહેલો રાઉન્ડ યોજાશે.
આ દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી ત્રણ ફેકલ્ટીઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકોની જાણકારી સામે આવી છે.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીઓને સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ગત વર્ષના આધારે આ વર્ષે પણ બેઠકો અનામત રાખવા માટે છૂટ આપી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ૮૦ ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે, ૧૫ ટકા બેઠકો વડોદરા સિવાયના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તથા પાંચ ટકા બેઠકો ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે.સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા બેઠકો અનામત રહેશે.જોકે બાકીની ૫૦ ટકા બેઠકો પર પણ વડોદરાના વિદ્યાર્થીઓ ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ સાથે એપ્લાય કરી શકશે. જ્યારે આર્ટસ ફેકલ્ટીમાં ૭૦ ટકા બઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે, ૨૦ ટકા બેઠકો વડોદરા સિવાયના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અને ૧૦ ટકા બેઠકો ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાનું નક્કી કર્યું છે.સૂત્રોનું કહેવું છે કે, સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની ટકાવારી રિઝર્વ કેટેગરી માટે પણ લાગુ થશે.ઉલ્લેખનીય છે કે, કોમર્સ-સાયન્સ અને આર્ટસ એમ ત્રણ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ૧૯૩૨૦ વિદ્યાર્થીઓએ અરજી કરી છે.તેની સામે કોમર્સ ફેકલ્ટી ૬૪૦૦ બેઠકો, આર્ટસ ફેકલ્ટી ૨૦૦૦ જેટલી બેઠકો અને સાયન્સ ફેકલ્ટી ૧૪૦૦ જેટલી બેઠકો પર પહેલા વર્ષમાં પ્રવેશ આપનાર છે.

