ઓપરેશન સિંદૂરની જાણકારી આપનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાના, MSUમાં ભણ્યા છે

Vadoadra : ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતીય સેનાએ અને એરફોર્સે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 જગ્યાએ હુમલા કરી સેકડો આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
આ ઓપરેશનની જાણકારી આપવા માટે આજે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુ સેનાના વ્યોમિકા સિંઘે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ બંને મહિલા અધિકારીઓ પણ દેશમાં રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયા છે.
આ પૈકીના કર્નલ સોફિયા કુરેશી એમ.એસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીની છે. જેમનો જન્મ વડોદરામાં થયો હતો. કર્નલ કુરેશીએ એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી બીએસસી વિથ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યા બાદ બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ માંથી એમએસસીની ડિગ્રી મેળવી હતી.

કર્નલ સોફિયા સાથે અભ્યાસ કરનારા તેમના બેચમેટ લક્ષ્મી પ્રિયાએ એક વાતચીતમાં કહ્યું હતું કે કર્નલ સોફિયા મૂળ ક્યાંના છે તેની તો મને જાણકારી નથી પરંતુ એટલું ખબર છે કે તેમના પિતા પણ સંરક્ષણ દળમાં હતા અને તેમનું વડોદરામાં પોસ્ટિંગ થયું હતું. આ દરમિયાન સોફિયા મારી સાથે ભણ્યા હતા. તેમણે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ તે સમયે કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2016 માં ભારતના પુણે ખાતે 18 દેશોનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાયો હતો અને તેમાં ભાગ લેનાર ભારતીય સેનાના
40 સભ્યોની ટુકડીનું નેતૃત્વ કર્નલ સોફિયાએ કર્યું હતું. ભારતીય સેનાના ઇતિહાસમાં તેઓ આ રીતે કોઈ યુદ્ધ કવાયતનું નેતૃત્વ કરનાર પહેલા મહિલા ઓફિસર બન્યા હતા. આ પહેલા 2006માં કર્નલ કુરેશી યુનાઇટેડ નેશન્સની પીસ કીપિંગ ફોર્સમાં સામેલ થઈ આફ્રિકાના કોંગોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ ભારતીય સેનાની સિગ્નલ કોર્પ્સમાં તૈનાત છે.

