સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશઃ કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની કરી ભલામણ
Supreme Court: ગુજરાતના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલિન ન્યાયાધીશ અને હજુ ગત મહિને જ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી પામેલા જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કોલેજીયમે મહત્ત્વની ભલામણ કરી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધને પણ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ તરીકે નિયુક્તિ આપવા માટે ભલામણ કરી છે. જો આગામી દિવસોમાં કેન્દ્રમાંથી અને ભારતના રાષ્ટ્રપતિની સત્તાવાર મહોર લાગી જશે તો, જસ્ટિસ વિપુલ પંચોલીની નિમણૂંક સાથે જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ત્રણ ન્યાયાધીશ થઈ જશે. જેમાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ નિલય વી. અંજારિયા હાલ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે કરાઈ ભલામણ
જસ્ટિસ વિપુલ એમ. પંચોલી જો સુપ્રીમ કોર્ટ જજ તરીકે સત્તાવાર ઘોષિત થશે ત્યારે તેઓ જસ્ટિસ જોયમાલ્યા બાગચીની નિવૃત્તિ પછી ઑક્ટોબર-2031માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંકની દાવેદારીની યાદીમાં પણ આવી જશે.
આ પણ વાંચોઃ નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત
રાજ્યના ન્યાયતંત્રમાં ખુશી અને ગૌરવની લાગણી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ બી. વી. નાગરથ્ના એમ પાંચ સભ્યોની કોલેજીયમની મહત્ત્વની બેઠક મળી હતી. પટણામાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિપુલ પંચોલી બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધેને સુપ્રીમ કોર્ટ જજ તરીકે નિમણૂંક આપવા માટેની ભલામણ કરાઈ હતી. મૂળ ગુજરાતના વતની એવા જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની વાતને લઈને રાજયના ન્યાયતંત્રમાં પણ ભારે ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ હતી.
કોણ છે વિપુલ પંચોલી?
28 મે, 1968ના દિવસે અમદાવાદમાં જન્મેલા વિપુલ પંચોલી 1 ઑક્ટોબર, 2014ના દિવસે ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા અને 10 જૂન, 2016ના દિવસે તેઓ હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામ્યા હતા. જુલાઈ 2023માં તેમને પટણા હાઇકોર્ટ મોકલાયા હતા અને હજુ તે પહેલાં જ જસ્ટિસ વિપુલ એમ. પંચોલીને બઢતી આપી, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા હતા અને 21 જુલાઈ, 2025ના રોજ જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ
વકીલાત તરીકેની કારકિર્દીના પ્રારંભે સને 1991માં જસ્ટિસ વિપુલ પંચોલીએ એક ઍડ્વોકેટ તરીકે તેમની પ્રેક્ટિસ ગુજરાત હાઇકોર્ટમાં શરુ કરી હતી. માર્ચ 2006 સુધી તેમણે મદદનીશ સરકારી વકીલ અને એડિશનલ સરકારી વકીલ તરીકે પણ સેવાઓ આપી હતી. આ સિવાય, તેમણે ઘણાં વર્ષો સુધી સર એલ. એ. શાહ લૉ કોલેજમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે સેવાઓ આપી હતી.